અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં સૌથી વધુ 75 ટકા વરસાદ કચ્છમાં ખાબક્યો, વડોદરામાં 6 કલાકમાં 4.5 ઇંચ

અમદાવાદ, 24 જુલાઈ 2024, રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેને પગલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અવિરત પડી રહેલ વરસાદનાં લીધે ભારે તારાજી સર્જાઈ છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે હવે સુરત અને વડોદરામાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસતા કારેલીબાગ, ફતેગંજ, સયાજીગંજ, રાવપુરા, માંડવી ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, આજવા રોડ, માંજલપુર, વડસર, તરસાલી, કલાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, સહિત તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા છે. વરસાદને કારણે 4 ટ્રેન રદ કરવામાં આવી છે.

વડોદરામાં 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદ
વડોદરા સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાળું બંધ થતા ગોતરી જવાનો રસ્તો બંધ થયો છે. જેનાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અટવાયા છે. વડોદરા ટ્રાફિક વિભાગ દ્વારા ગરનાળા પાસે બેરીગેટ લગાવી દેવામાં આવ્યું છે. જો નાના ચાલકો કે ફોરવીલર જવા માટેનું પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. ઘરનાળા સુધી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.વડોદરાના તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓના માર્ગો નદીઓમાં ફેરવાઇ ગયા છે. માંડવી લહેરીપુરા, આજવા રોડ, વાઘોડિયા રોડ, તરસાલી, ગોત્રી, સેવાસી, માંજલપુર, સહિતના તમામ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ સેવાઈ રહ્યો છે. ડોદરા શહેરના તમામ રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયાં છે અને તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

બોરસદમાં સાડા બાર ઈંચ વરસાદ થયો
બીજી તરફ આણંદના બોરસદમાં ભારે વરસાદ થયો છે, ત્યારે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. બોરસદમાં સાડા બાર ઈંચ વરસાદ થયો છે. ત્યારે બોરસદમાં 2 કલાકમાં જ 9 ઈંચ વરસાદ થયો છે. બોરસદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે.બોરસદમાં માત્ર ચાર કલાકમાં જ 12 ઈંચ વરસાદ થયો છે, જેને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.ઘરમાં અને રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લા નસવાડીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

ગુજરાતમાં કુલ 48 ટકા વરસાદ, કચ્છમાં 75 ટકાથી વધુ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં 8 ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં 8 ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 8 ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે.રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 48 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ 71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 25 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃદ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

Back to top button