ગુજરાતટોપ ન્યૂઝ

74મો પ્રજાસત્તાક દિવસ: રાષ્ટ્રધ્વજના ભાવમાં વધારો થયો પણ તિરંગાની માગ વધી

તિરંગાના ભાવમાં 15 ટકા વધારો છતાં રાષ્ટ્રધ્વજનું રાજમાર્ગો પર ધૂમ વેચાણ થયુ છે. જેમાં 15 ઓગસ્ટ બાદ 26મી જાન્યુઆરીએ પણ રાષ્ટ્રધ્વજની માગમાં વધારો થયો છે. તેમજ પ્લાસ્ટિકના ધ્વજ પર પ્રતિબંધના કારણે સાટિનમાંથી બનાવેલા તિરંગાની માગ વધી છે. હર ઘર તિરંગાની આહલેક જારી, પ્લાસ્ટિકના તિરંગા બંધ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 74માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જાણો “પદ્મ શ્રી ગુજરાતના હીરાબાઈ” વિશે સરળ શબ્દોમાં જીવનગાથા

આનંદ-ઉલ્લાસ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી

26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં 74મા પ્રજાસત્તાક દિવસની આનંદ-ઉલ્લાસ સાથે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ રહી છે. આ વર્ષે તિરંગાના ભાવમાં 15 ટકા જેટલો વધારો નોંધાયો છે. અલબત્ત, હર ઘર તિરંગા અભિયાનને પગલે દેશભરમાં તિરંગાની માગમાં ધરખમ વધારો નોંધાતા રાષ્ટ્રધ્વજની ખરીદીનો દોર જારી છે. રાજ્યમાં મહારાષ્ટ્રના નાંદેડ-મરાઠાવાડ અને કે.ડી.પી સહિત દક્ષિણ ભારતના ગ્રામોદ્યોગ કેન્દ્રોમાં સરકારના નીતિ-નિયમોને આધીન તૈયાર કરાયેલા શુધ્ધ ખાદીના રાષ્ટ્રધ્વજ વેચાવા આવ્યા છે.

તિરંગાનું સન્માન જાળવવું જરૂરી

આઝાદી કા અમૃત મહોત્સવે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઠેર-ઠેર તિરંગા લહેરાવાયા હતા. જે તિરંગા સમય-સંજોગોના સથવારે કેટલાક સ્થળે ઝાંખા પડી જર્જરિત પણ થયા છે. અનેક સ્થળે તિરંગાનો રંગ ઝાંખો થયો હોય કે તિરંગો જર્જરિત થયો હોય તો તે તમામ તિરંગા પ્રજાસત્તાક દિવસ પૂર્વે ઊતારી લઇ સન્માન પૂર્વક સુરક્ષિત સ્થળે મુકી નવા તિરંગા લહેરાવવા જોઇએ તેવું જાગૃત નાગરિકોનું માનવું છે.

આ પણ વાંચો: વડોદરાના કરજણમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી

પ્લાસ્ટિકના તિરંગા બંધ

દર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના પર્વ પૂર્વે રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મુખ્ય શહેરોના રાજમાર્ગોના કિનારે પથારાવાળા પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ વેચતા હતા. પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ પર પ્રતિબંધ લાદતા શાટિન-પોલિએસ્ટર સહિતના મટિરિયલ્સમાંથી તૈયાર કરાયેલા પ્રતિકાત્મક ધ્વજ રૂ.50 થી રૂ.450ના ભાવે વેચાય છે.

રાષ્ટ્રધ્વજની કિંમત 15 ટકા વધી છે

ગત વર્ષ કરતા આ વર્ષે રાષ્ટ્રધ્વજની કિંમત 15 ટકા વધુ હોવા પાછળ કોટન, રો-મટિરિયલ્સ, કારીગરી, ઇંધણ સહિતના ઇતર ખર્ચા વધ્યા છે. અલબત્ત, ગઇ તા.15મી ઓગસ્ટ 2022ના રોજ (સ્વતંત્ર દિવસ-આઝાદી કા અમૃત મહોત્સવ) વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ હર ઘર તિરંગાનું આહવાન કર્યું હતું. જેને દેશવાસીઓએ ઉમળકાભેર વધાવી લઇ ઠેર-ઠેર તિરંગા લહેરાવ્યા હતા. જે ઉત્સાહ-ઉમળકો પ્રજાસત્તાક દિવસે પણ જારી રહેશે. જેને અનુલક્ષીને તિરંગાની ધૂમ ખરીદી જારી છે. છેલ્લા કેટલાયે વર્ષો દરમિયાન રાષ્ટ્રભાવના પ્રત્યે જાગૃતતા કેળવાતા યૌવનધન રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા વધુ કટિબધ્ધ બન્યું છે. ઉલ્લેખનીય છે કે અંગ્રેજોની ગુલામીમાંથી દેશ તા.15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો. પરંતુ પ્રજાસત્તાક તા.26મી જાન્યુઆરી 1950ના રોજ બન્યો હતો. જેથી, આ વર્ષે તા.26મી જાન્યુઆરી 2023ના રોજ દેશનો 74મો પ્રજાસત્તાક દિવસ ઉજવાશે.

Back to top button