ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ની 72મી વાર્ષિક સાધારણ સભા 3 જુલાઈ ના રોજ કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે યોજાઈ હતી અને ત્યારબાદ વર્ષ 2022 માટે હોદ્દેદારોની નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. વાર્ષિક સામાન્ય સભામાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી GCCIના સભ્યોએ હાજરી આપી હતી. સામાન્ય સભા દરમિયાન બિનહરીફ ચૂંટાયેલા કારોબારી સમિતિના સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુખ્ય અતિથિ તરીકે પદગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં GCCIના સભ્યો, વેપાર અને ઉદ્યોગ જગતના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો, અગ્રણી પ્રેસ અને મીડિયાના પ્રતિનિધિઓ, શુભેચ્છકો અને પદાધિકારીઓના પરિવારના સભ્યો અને કારોબારી સમિતિના અન્ય ચૂંટાયેલા સભ્યોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમની શરૂઆત વર્ષ 2021-22ના પદાધિકારીઓના સંબોધનથી થઈ હતી, તેઓએ સભાને સંબોધિત કરી હતી અને પાછલા વર્ષ દરમિયાનના તેમના અનુભવો શેર કર્યા હતા. માનદ ખજાનચી (2021-22) નવરોઝ તારાપોર, માનદ સચિવ (2021-22) સચિન પટેલ, માનદ સેક્રેટરી (રિજિયોનલ) (2021-22) મહેશ પુજ, ઉપ-પ્રમુખ (2021-22) સંજીવ છાજેર અને પ્રમુખ (2021-22) હેમંત શાહે તેમના અનુભવો અને વિચારો શેર કર્યા અને વર્ષ દરમિયાન તેમને આપેલા સહયોગ બદલ સૌનો આભાર માન્યો હતો.
ત્યારબાદ નવા હોદ્દેદારોને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. પથિક પટવારી, પ્રમુખ (વર્ષ 2022 23) તરીકે, અજય એચ. પટેલ સિનિયર ઉપપ્રમુખ (વર્ષ 2022-23) અને યોગેશ પરીખ ઉપપ્રમુખ ( વર્ષ 2022-23) તરીકેનો કાર્યભાર સંભાળ્યો. નવ-નિયુક્ત પદાધિકારીઓએ ત્યાં ઉપસ્થિત સભ્યોને સંબોધિત કર્યા અને નવી ટર્મ માટે GCCI માટે તેમના વિઝન શેર કર્યા.
ઉદ્યોગ રાજ્ય મંત્રીએ તેમના મુખ્ય વક્તવ્યમાં તમામ નવ નિયુક્ત પદાધિકારીઓને અભિનંદન આપ્યા અને જણાવ્યું હતું કે GCI અને ઉદ્યોગે ભાવિ પેઢીઓને શું આપવાનું આયોજન કરે છે તે વિશે વિચારવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે GCCI એ ઉદ્યોગમાં સહકારી મોડલની શક્યતા તપાસવી જોઈએ અને નવી પ્રતિભાઓ લાવવી જોઈએ. ભૂતકાળમાં GCCI દ્વારા કરાયેલા પ્રયાસોને બિરદાવતા તેમણે જણાવ્યું હતું કે GCCI ના તમામ પૂર્વપ્રમુખોએ કરેલા કાર્યોની ડોક્યુમેન્ટરી બનાવવી જોઈએ.
GCCI ના પ્રેસિડેન્ટ (2022-23) પથિક પટવારીએ President’s Vision 2022-23 પ્રેસેન્ટેશન શેર કર્યું હતું, જેમાં મુખ્ય 4 સ્તંભોના અભિગમ એટલે કે રિસર્ચ, બિઝનેસ ડેલિગેશન, રિપ્રેઝન્ટેશન અને એડવોકેસી પર વર્ષ 2022-23 દરમિયાન ખાસ ધ્યાન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે GCCI નવા યુગના વ્યવસાયો અને સ્ટાર્ટ-અપ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે અને બેજવાબદારીપૂર્વક કામ કરતા પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો માટે રજૂઆત કરવાનું ટાળશે.
ભૂતપૂર્વ પ્રમુખ જૈમિન વસા, શૈલેષ પટવારી, દુર્ગેશભાઈ બુચ અને નટુભાઈ પટેલે તેમના સંબોધનમાં નવ નિયુક્ત ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. સચિન પટેલ, માનદ સચિવ (2021-22) એ આભાર વિધિ સંપન્ન કરી કાર્યક્રમ સમાપ્ત કર્યો હતો.