ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતસ્પોર્ટસ

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો પ્રારંભ

ગાંધીનગર, 24 માર્ચ: 2025: ગુજરાતમાં પ્રથમ વાર યોજાઈ રહેલી ૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનો આજે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગાંધીનગર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. 72nd All India Police Aquatic Cluster Championship દેશના વિવિધ રાજ્યોમાંથી આ સ્પર્ધામાં સહભાગી થવા પધારેલા તમામ સ્પર્ધકોનું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તરફથી સ્વાગત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની આ ભૂમિ પર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ તથા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના વડાનો આભાર વ્યક્ત કરું છું.

વિકાસ સહાયે ઉમેર્યું કે, દેશની અને રાજ્યની આંતરિક સુરક્ષામાં રાજ્ય પોલીસ દળ તેમજ કેન્દ્રીય પોલીસ દળનું યોગદાન સર્વશ્રેષ્ઠ છે. એકબીજાના સંકલન થકી સૌ સાથે મળીને આ જવાબદારી નિભાવી રહ્યા છે તેનું આ પરિણામ છે. રાજ્યો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા ખેલકૂદનું માધ્યમ ખૂબ જ પ્રભાવશાળી છે, ત્યારે યુનિફોર્મ સર્વિસમાં હંમેશા ખેલકૂદને અગ્રીમ સ્થાન આપવામાં આવી રહ્યું છે.

ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો વચ્ચે વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. રમતોને અલગ અલગ ક્લસ્ટરમાં વહેંચીને તેની યજમાની વિવિધ રાજ્યોમાં સ્થિત પોલીસ દળને સોંપીને, આ સ્પર્ધાઓ ભારતભરમાં યોજવામાં આવે છે. આ વર્ષે એક્વેટિક ક્લસ્ટરની સ્પર્ધાઓનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જેની યજમાની ગુજરાત યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગુજરાત યુનિટ કરી રહ્યું છે.

આ સ્પર્ધામાં આંદામાન નિકોબાર પોલીસ, આંધ્રપ્રદેશ પોલીસ, આસામ પોલીસ અને આસામ રાઈફલ્સ, બોર્ડર સીકયોરીટી ફોર્સ, છત્તીસગઢ પોલીસ, સી.આઈ.એસ. એફ, સી.આર.પી.એફ, ગુજરાત પોલીસ, હરિયાણા પોલીસ, ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ, જમ્મુ- કાશ્મીર પોલીસ, ઝારખંડ પોલીસ, કર્ણાટક પોલીસ, કેરાલા અને મહારાષ્ટ્ર પોલીસ, એન.ડી.આર.એફ, ઓડીશા, રાજસ્થાન,તમિલનાડુ, ઉત્તરાખંડ, પશ્રિમ બંગાળ, તેલંગણા, ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસ, રેલ્વે પ્રોટેકશન ફોર્સ, એસ.એસ.બીના ૭૦૪ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે.

આ સમારોહમાં સી.આર.પી.એફ સ્પે. ડીજીપી વિતુલકુમાર, સી.આર.પી.એફ સાઉથ ઝોન એડિશનલ ડી‌.જી.પી રવિદિપ સિંઘ શાહી, I.B એડિશનલ ડી.જી.પી રાજીવ આહીર, ગુજરાતના એડિશનલ ડી.જી.પી રાજુ ભાર્ગવ, વેસ્ટર્ન સેકટર સી,આર.પી.એફ વિરેન્દ્ર અગ્રવાલ સહિત મહાનુભાવો તેમજ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના સ્પર્ધક જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો….પ્રથમ ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર કાર્યરત થયું, હવે ગુજરાત સેમિકન્ડક્ટર સોલ્યુશન આપવા વધુ સક્ષમ બનશે

Back to top button