ગુજરાતટ્રેન્ડિંગ

ભાવનગરમાં બોગસ GST બિલિંગ કૌભાંડમાં હજુ 70 આરોપીઓ ઝડપાયા નથી

  • સરકારી સહાયના નામે ઓછુ ભણેલા ગરીબ લોકોના ડોક્યુમેન્ટ મેળવી કૌભાંડ કર્યું
  • બોગસ બિલિંગના કૌભાંડની તપાસનો પ્રારંભ 19 આરોપીઓથી થયો હતો
  • આશરે બે વર્ષના સમયગાળામાં આરોપીનો આંકડો 225 સુધી પહોંચ્યો

ભાવનગરમાં ઉજાગર થયેલા ચકચારી બોગસ બિલિંગ કૌભાંડ મામલે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 19 લોકો સામે નામજોગ ભાવનગર અને અમરેલીમાં કુલ પાંચ અને એક અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

બોગસ બિલિંગના કૌભાંડની તપાસનો પ્રારંભ 19 આરોપીઓથી થયો હતો

બોગસ બિલિંગના કૌભાંડની તપાસનો પ્રારંભ 19 આરોપીઓથી થયો હતો. પરંતુ બે વર્ષના સમયગાળામાં નવા નામો ખુલતા ગયા અને કુલ 6 પોલીસ ફરિયાદમાં આરોપીનો આંકડો સવા બસ્સોએ પહોંચ્યો છે. જેમાંથી હજુ 70 આરોપીઓ ઝડપવાના બાકી છે. જ્યારે ગુજસીટોક લગાવવામાં આવેલા 18 ઓરોપી ઝડપાયા છે અને 4 આરોપીઓ હજુ પકડાયા નથી.

બોગસ બિલિંગ કૌભાંડ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો

દેશભરમાં ક્યાંય પણ બોગસ બિલિંગ પકડાય તો તેના તાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાવનગર સાથે જોડાયેલા નિકળે જ છે. વર્ષ-2023માં ભાવનગરમાં ઉજાગર થયેલા બોગસ બિલિંગ કૌભાંડ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સરકારી સહાયના નામે ઓછુ ભણેલા ગરીબ લોકોના ડોક્યુમેન્ટ મેળવી તેના આધારે બોગસ પેઢી બનાવી ખોટી વેરાશાખા મેળવી દેશની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવતું હોવાનું સ્ટેટ જીએસટી વિભાગના ધ્યાને આવતા વિભાગ દ્વારા ભાવનગર શહેરના નિલમબાગ પોલીસ મથકમાં ત્રણ અને પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં એક પોલીસ ફરિયાદ થઇ હતી.

પાંચ ફરિયાદોમાં 19 શખ્સો સામે નામ જોગ ફરિયાદ દાખલ થઈ

જ્યારે અમરેલી સીટીમાં એક અને અમરેલીના એક વેપારી દ્વારા અમરેલી સાયબર ક્રાઈમમાં એક એમ કુલ 6 પોલીસ ફરિયાદ બનાવટી દસ્તાવેજો મારફત છેતરપિંડી અને બનાવટી પેઢી બનાવવાની ફરિયાદ નોંધાઈ હતી. વર્ષ-2023ના ફેબ્રુઆરી, માર્ચ, એપ્રીલ અને જુલાઈ માસમાં અલગ-અલગ નોંધાયેલી આ ફરિયાદોમાંથી પાંચ ફરિયાદોમાં 19 શખ્સો સામે નામ જોગ ફરિયાદ દાખલ થઈ હતી જ્યારે અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આશરે બે વર્ષના સમયગાળામાં આરોપીનો આંકડો 225 સુધી પહોંચ્યો

બોગસ બિલિંગ કૌભાંડની તપાસની શરૂઆત ૧૯ જેટલા આરોપીઓથી થઈ હતી. જેમાં આશરે બે વર્ષના સમયગાળામાં આરોપીનો આંકડો ૨૨૫ સુધી પહોંચ્યો છે. જેમ-જેમ આરોપીઓ ઝડપાતા જાય છે તેમ તેમ નવા નામો ખુલતા જાય છે. ભાવનગર અને અમરેલીમાં નોંધાયેલી કુલ 6 પોલીસ ફરિયાદમાં અત્યાર સુધીમાં કુલ 155 આરોપીઓ ઝડપાઈ ચુક્યા છે અને 70 આરોપીઓ હજુ પકડવાના બાકી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા બે શખ્સ રૂ.31.50 લાખ સાથે ઝડપાયા

Back to top button