ગુજરાતની 7 વર્ષની દીકરીએ રચ્યો ઈતિહાસ: અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનમાં જીત્યો ખિતાબ


સુરત: 30 માર્ચ: 2025: ગુજરાતની માત્ર 7 વર્ષની ચેસ ખેલાડી વાકા લક્ષ્મી પ્રજ્ઞિકાએ ઈતિહાસ રચી દીધો છે. લક્ષ્મીએ સર્બિયાના વૃન્જાકા બાંજામાં યોજાયેલી ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ-2025માં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે. સુરતની પહેલાં ધોરણમાં અભ્યાસ કરતી ખેલાડીએ ચેસની દુનિયામાં વૈશ્વિક સ્તરે જબરજસ્ત સફળતા મેળવતા તમામ નવ રાઉન્ડ જીતી લીધા હતા અને નવ પોઈન્ટ સાથે ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
પ્રજ્ઞિકાના પિતા વાકા રામનાધે જણાવ્યું કે, હું વર્ષ 2000થી સુરતમાં સ્થાયી થયો છું. મારી મોટી દીકરી વરેણ્યા ચેસ રમે છે અને તેને જોઈને નાનકડી પ્રજ્ઞિકાએ પણ ચેસમાં રસ લેવાનું શરુ કર્યું હતું. તેણે હજુ દોઢ વર્ષથી જ ચેસ રમવાનું શરુ કર્યું હતું. પંદર મહિનામાં ત્રણ વખત તો પ્રજ્ઞિકા સ્ટેટ ચેમ્પિયન રહી ચૂકી છે અને ચાલુ વર્ષે જ આંધ્રપ્રદેશના રમાયેલી નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ અંડર-7માં ગર્લ્સ કેટેગરીમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ત્યારબાદ તેની પસંદગી ભારતીય ટીમમાં થઈ હતી.
વર્ષ 2018માં સુરતમાં જન્મેલી પ્રજ્ઞિકા સુરતના વાસુમાં એસડી જૈન મોર્ડન સ્કૂલમાં પહેલાં ધોરણમાં અભ્યાસ કરે છે. પ્રજ્ઞિકા અને વરેણ્યા બંનેને સ્પોટ્ર્સ ઓથોરિટી ઑફ ગુજરાતના બિન-રહેણાંક સેન્ટર ઑફ એક્સલન્સ હેઠળ આવરી લેવાયા છે અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના ભાવેશ પટેલ સહિતના હોદ્દેદારોએ તેની પ્રતિભાને આગળ ધપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેના હાલના કોચ રોહન જુલ્કા છે. પ્રજ્ઞિકા ચેસના ક્લાસિકલ ફોર્મેટમાં 1450 ઈએલઓ રેટિંગ ધરાવતી અંડર-6 કેટેગરીની ગુજરાતની એકમાત્ર ખેલાડી છે. પ્રજ્ઞિકાની સાથે તેની 11 વર્ષની મોટી બહેન વરેણ્યાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેમ્પિયનશિપમાં તેની કેટેગરીમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચો..ચેન્નઈ એરપોર્ટ ઉપર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, વ્હીલમાં ક્ષતિ જણાતા નિર્ણય લેવાયો