અમદાવાદમાં નિકોલથી યુવકનું અપહરણ કરી 7 શખ્સોએ ન્યૂડ વીડિયો ઉતાર્યો
- કુલ સાત શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- યુવક કંટાળીને આપઘાત કરવા પણ ગયો હતો
- 10 ચેકોમાં કુલ રૂ.40.02 લાખની રકમ ભરાવી સહીઓ કરાવી લીધી
અમદાવાદમાં નિકોલથી યુવકનું અપહરણ કરી 7 શખ્સોએ ન્યૂડ વીડિયો ઉતાર્યો હતો. નિકોલમાં બે મિત્રો વચ્ચે રૂપિયાની લેતી-દેતીમાં ઝઘડો થયો હતો. જ્યારે યુવક મિત્રતા ન બગડે તે માટે સમાધાન કરાવવા વચ્ચે પડયો હતો. ત્યારે તેની અદાવત રાખીને મિત્રે છ શખ્સો સાથે મળીને યુવકનું અપહરણ કરીને માર મારીને ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો અને તે વાઇરલ કરવાની ધમકી આપીને 10 ચેકોમાં કુલ રૂ.40.02 લાખની રકમ ભરાવી સહીઓ કરાવી લીધી હતી. બાદમાં તમામ યુવકને ઉતારીને નાસી ગયા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: IIM કેમ્પસમાં વિદ્યાર્થીના આપઘાતના મામલે થયો ચોંકાવનારો ખુલાસો
યુવક કંટાળીને આપઘાત કરવા પણ ગયો હતો
આ અંગે યુવકે સાત શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, યુવક કંટાળીને આપઘાત કરવા પણ ગયો હતો. બોટાદમાં રહેતા 35 વર્ષીય રાકેશભાઇ પંચાલ ( નામ બદલેલ છે ) ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેઓ અવારનવાર મંદિરોના સામાજીક પ્રસંગોમાં જતા આવતા હોવાથી તેમની મુલાકાત નિકોલના લાલજી સવાલીયા સાથે થઇ હતી. બાદમાં તેઓ અન્ય મિત્રો સાથે અવારનવાર મળતા અને ફરવા પણ જતા હતા. ત્યારબાદ લાલજીભાઇએ તેમના મિત્ર વર્તુળમાં એક મિત્રને ધંધા માટે રૂ.20 લાખ જેટલા આપ્યા હતા. પરંતુ મિત્ર પરત ન આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ તે લોકોની મિત્રતા ન બગડે તે માટે રાકેશભાઇએ વચ્ચે રહીને સમાધાન કરાવ્યું હતું.
રાકેશભાઇએ કુલ સાત શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
જોકે, તેની અદાવત રાખીને લાલજીએ તેના પુત્ર તરૂણ અને અન્ય મળતિયા જય કોટડિયા, જીગા અને અન્ય ત્રણ શખ્સો સાથે મળીને રાકેશભાઇના અપહરણનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ લાલજીએ રાકેશને ફોન કરીને નિકોલમાં આવેલી તેની ફેક્ટરીમાં બોલાવ્યો હતો. જ્યાં તમામે રાકેશભાઇનું અપહરણ કરીને કારમાં બેસાડીને જુદી-જુદી જગ્યાઓ પર લઇ જઇને માર માર્યો હતો. તેમજ ન્યૂડ વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપીને 10 ચેકોમાં રૂ.40.02 લાખની રકમ ભરાવી સહીઓ કરાવી લીધી હતી. બાદમાં તેમને નિકોલ પાસે ઉતારીને જતા રહ્યા હતા. આ અંગે રાકેશભાઇએ કુલ સાત શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.