ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાન પર પાકિસ્તાનના જવાબી હુમલામાં 7 લોકો માર્યા ગયા

તહેરાન (ઈરાન), 18 જાન્યુઆરી: બલૂચિસ્તાનમાં ઈરાનના હવાઈ હુમલાના જવાબમાં પાકિસ્તાને ગુરુવારે ઈરાનમાં હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો છે કે આ હુમલામાં ઘણા આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 7 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાને આજે સવારે ઈરાનના સિસ્તાન-ઓ-બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. ‘માર્ગ બાર સરમાચાર’ નામના આ ઓપરેશન કોડમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.

પાકિસ્તાનની સરહદે આવેલા ઈરાનના સિસ્તાન-ઓ-બલુચિસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર જનરલના જણાવ્યા અનુસાર, ગુરુવારે દક્ષિણ-પૂર્વ ઈરાનના શહેર સરવાનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં સાત બિન-ઈરાની નાગરિકો માર્યા ગયા હતા, તેમણે ઉમેર્યું હતું કે કારણ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. પાકિસ્તાની મીડિયા મુજબ, ઈરાનમાં BLA આતંકવાદી સંગઠનના ઠેકાણાઓને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. પાકિસ્તાનનો દાવો છે કે, ઈરાનમાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી અને બલૂચિસ્તાન લિબરેશન ફોર્સ જેવા બલૂચ અલગાવવાદી ઉગ્રવાદી જૂથ સક્રિય છે, જે પાકિસ્તાન વિરોધી ગતિવિધિઓને અંજામ આપે છે.

ઈરાને બલૂચિસ્તાનમાં કરી હતી એરસ્ટ્રાઈક

અગાઉ, પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને ઈરાનના હવાઈ હુમલામાં બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પાકિસ્તાને વિદેશ મંત્રાલયમાં ઈરાનના પ્રભારી રાજદૂતને બોલાવીને ‘તેમના એરસ્પેસના ઉલ્લંઘન’ની સખત નિંદા કરી હતી. પાકિસ્તાની વિદેશ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે ઈરાનનું આ કૃત્ય ‘તેના એરસ્પેસનું બિનઉશ્કેરણીજનક ઉલ્લંઘન’ છે. આ પછી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન દ્વારા ઈરાનના એક સૈન્ય અધિકારીની ગોળી મારીને હત્યા કરાઈ હતી.

ઈરાન સતત ચેતવણી આપી રહ્યું છે કે જૈશ-ઉલ-અદલ આતંકવાદી જૂથ તેના સુરક્ષા દળો પર હુમલો કરવા માટે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે અને બલૂચિસ્તાનના સરહદી શહેર પંજગુરમાં તેના અડ્ડા છે. પાકિસ્તાને કહ્યું કે, ‘ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી પાસે પહેલેથી જ આકરો વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

ઈરાને પાકિસ્તાન પર શા માટે હુમલો કર્યો?

ઈરાન શિયા બહુમતી ધરાવતો દેશ છે, જ્યારે પાકિસ્તાનમાં લગભગ 95% લોકો સુન્ની છે. પાકિસ્તાનના સુન્ની સંગઠનો ઈરાનનો વિરોધ કરી રહ્યા છે. આ સિવાય બલૂચિસ્તાનનું જૈશ-અલ-અદલ આતંકવાદી સંગઠન ઈરાનની સરહદમાં ઘૂસીને ત્યાંની સેના પર અનેકવાર હુમલા કરી રહ્યું છે. ઈરાનની સેનાને રિવોલ્યુશનરી ગાર્ડ કહેવામાં આવે છે. ઈરાન સરકાર આતંકવાદી સંગઠનોને અંકુશમાં લેવા પાકિસ્તાનને ઘણી વખત ચેતવણી આપી ચૂકી છે. 2015માં પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધો ખરાબ થઈ ગયા હતા. ત્યારપછી પાકિસ્તાનથી ઈરાની વિસ્તારમાં ઘૂસેલા સુન્ની આતંકવાદીઓ સાથેની અથડામણમાં આઠ ઈરાની સૈનિકો માર્યા ગયા હતા. આ આતંકીઓ પણ જૈશ અલ અદાલના હતા. ત્યારે ઈરાન સરકારે જવાબી કાર્યવાહી કરવા કહ્યું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાનનો ઈરાન વિરુદ્ધ જવાબી હુમલો, આતંકવાદી ઠેકાણાઓનો કર્યો નાશ

Back to top button