ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બિહારના જહાનાબાદમાં સિદ્ધેશ્વર મંદિરમાં મચી નાસભાગ, 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ; 35 ઘાયલ

  • શ્રાવણના સોમવારે બાબા સિદ્ધેશ્વર નાથના મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી 

બિહાર, 12 ઓગસ્ટ: બિહારના જહાનાબાદ જિલ્લામાં શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના સર્જાઇ છે. જહાનાબાદમાં બાબા સિદ્ધેશ્વર નાથના મંદિર ખાતે સોમવારના કારણે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી અને નાસભાગ મચી ગઈ હતી. જેમાં 3 મહિલાઓ સહિત 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા હતા. જ્યારે 35 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. આ ઘટના મખદુમપુર બ્લોકના વણવર પહાડ વિસ્તારમાં બની હતી. નાસભાગની માહિતી મળતા જ વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષા દળો અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

જલાભિષેક દરમિયાન મંદિરમાં નાસભાગ મચી ગઈ

શ્રાવણનો સોમવાર હોવાથી મંદિરમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી. ભગવાન શિવના જલાભિષેક માટે અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને નાસભાગ જેવી સ્થિતિ મચી જવા પામી હતી. જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા અને ઘાયલ પણ થયા. ઘાયલ ભક્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

લોકો પોતાનો જીવ બચાવવા માટે  દોડવા લાગ્યા

મંદિરમાં હાજર ભક્તોએ જણાવ્યું કે, સિદ્ધેશ્વરનાથ મંદિરમાં રવિવાર રાતથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ આ નાસભાગ થઈ હતી. મંદિરમાં હાજર તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા, ત્યારબાદ ડઝનબંધ લોકો મંદિર પરિસરમાં પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા.

મૃત્યુઆંક વધવાની સંભાવના 

નાસભાગ વચ્ચે ભક્તો તેમની પાસેથી પસાર થતા રહ્યા. જેના કારણે મહિલાઓ સહિત અનેક શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, નાસભાગને કારણે મૃત્યુઆંક વધુ વધી શકે છે.

ગયા મહિને યુપીના હાથરસમાં નાસભાગ મચી ગઈ હતી

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને 2 જુલાઈએ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં નાસભાગમાં 120થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. નારાયણ હરિ ઉર્ફે ભોલે બાબાના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગ મચી હતી. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

આ પણ જૂઓ: પંજાબ મેલ એક્સપ્રેસમાં આગની અફવાથી ભાગદોડ થઈ, 20 મુસાફરો ઘાયલ

Back to top button