સંસદ પર કલર સ્પ્રેથી હુમલો કરનાર ચાર આરોપીઓને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારબાદ પટિયાલા હાઉસ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જરૂર પડ્યે રિમાન્ડ લંબાવી શકાય તેમ પણ જણાવાયું હતું. ફરિયાદ પક્ષે ધરપકડ કરાયેલા ચાર લોકો પર આતંકવાદનો આરોપ લગાવ્યો છે. કહેવાય છે કે ચારેયએ ડર ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી લલિત ઝા જે મુખ્ય કાવતરાખોર હોવાનું કહેવાય છે તે પોલીસની પકડમાંથી બહાર છે. પોલીસે ચારેય આરોપીઓના ફોન પણ રિકવર કરવાના છે. લોકસભાની અંદર અને સંસદની બહાર ફેંકવામાં આવેલા સ્પ્રે ક્યાંથી ખરીદવામાં આવ્યા હતા તે અંગેની માહિતી પોલીસને હજુ એકત્ર કરવાની બાકી છે.
બે આરોપીઓ લોકસભામાં પ્રવેશ્યા હતા
મહત્વનું છે કે, બુધવારે 2001માં સંસદ પર થયેલા હુમલાની વર્ષગાંઠ હતી. એ જ દિવસે લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા બે લોકો લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા. તેઓએ ત્યાં સ્પ્રે દ્વારા ધુમાડો બનાવ્યો હતો. બાદમાં આ બંને સાંસદોએ જાતે જ પકડી લીધા હતા. પરંતુ જ્યારે તેઓ લોકસભા ચેમ્બરમાં સાંસદોની નજીક આવ્યા ત્યારે ભયનો માહોલ સર્જાયો હતો. શું થયું તે સાંસદ સમજી શક્યા નહીં. બધાને ડર હતો કે આ લોકો પાસે કોઈ બોમ્બ કે કોઈ પ્રકારનો ખતરનાક પદાર્થ છે.