અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે વાસી ભાત ખાવાથી 7 બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મૃત્યુ
- બાળકોને વાસી ભાત ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી
- મજૂરી કામ કરતા પરિવારના બાળકો વાસી ખોરાકને લીધે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા
- પરિવારજનના કહેવા પ્રમાણે બાળકોએ રાતે ભાત ખાધા હતા
અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે વાસી ભાત ખાવાથી 7 બાળકોને ફૂડ પોઈઝનિંગ થયુ છે. જેમાં એકનું મૃત્યુ થયુ છે. બેથી દસ વર્ષના છ બાળકને અમદાવાદ સિવિલ લવાયા છે. જેમાં 7 વર્ષની બાળકીનું બાવળા ખાતે મોત થતા સ્થાનિક તંત્રની દોડધામ વધી છે.
આ પણ વાંચો: ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર, જાણો કરાઇ ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની આગાહી
બાળકોને વાસી ભાત ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી
અમદાવાદ જિલ્લાના બાવળાના ઝેકડા ગામે સાત બાળકોને વાસી ભાત ખાવાથી ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના સામે આવી છે, જેમાં એક સાત વર્ષની બાળકીનું મોત થયું છે. બીજી તરફ બે વર્ષથી માંડીને 10 વર્ષની વયના છ બાળકોને વધુ સારવાર માટે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં લવાયા છે, જે પૈકી ત્રણ બાળકોને ઝાડા ઉલટીની અસર વધારે વર્તાઈ રહી છે, બાકી ત્રણ બાળકોને ઓછી માત્રામાં ડિહાઈડ્રેશન છે.
મજૂરી કામ કરતા પરિવારના બાળકો વાસી ખોરાકને લીધે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા
બાવળા ખાતે ઝેકડાની સીમમાં ઈંટો પકવવાના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા પરિવારના બાળકો વાસી ખોરાકને લીધે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે, પરિવારજનના કહેવા પ્રમાણે બાળકોએ રાતે ભાત ખાધા હતા. એ પછી રાતે તબિયત લથડી હતી સવારે સાત વાગ્યા બાદ બાળકોને એકાએક ઉલટીઓ થવા લાગી હતી, જેમાંથી સાત વર્ષની બાળકી સુનિતા જાટપને બાવળા સરકારી દવાખાને લઈ જવાતાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું હતું. હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે, ભઠ્ઠામાં પીવાના પાણીના અલગ અલગ ચાર નમૂના લઈ તપાસ અર્થે મોકલાયા છે ઉપરાંત 53 બાળકોની ચકાસણી કરાઈ છે, ડિહાઈડ્રેશનને લગતી દવાઓ ભઠ્ઠામાં રહેતા 50 પરિવારના કુલ 150 જેટલા સભ્યોને અપાઈ છે.