ગુજરાતટોપ ન્યૂઝબિઝનેસવાયબ્રન્ટ ગુજરાત સમિટ

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા એક જ દિવસમાં થયા 7.17 લાખ કરોડના MoU

ગાંધીનગર, 03 જાન્યુઆરી 2024, ગુજરાતમાં દેશ-વિદેશના ઉદ્યોગ-રોકાણકારોને નિવેશ માટે પ્રેરિત કરતી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે બુધવારે એક જ દિવસમાં ૭ લાખ ૧૭ હજાર ૨૫૦ કરોડ રૂપિયાના સૂચિત રોકાણો માટેના MoUનો વિક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં અને પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં સર્જાયો છે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર સાથે વિવિધ ક્ષેત્રોનાં રોકાણ માટે ૫૮ જેટલા MoU ઉદ્યોગ-રોકાણકારોએ કર્યા હતા. તેના દ્વારા ૩ લાખ ૭૦ હજાર ૧૬૫ જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ભવિષ્યમાં ઊભી થશે.વાઇબ્રન્ટ સમિટની ૧૦મી કડી તા. ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૪માં યોજાવાની છે.

૫૮ પ્રોજેક્ટ્સના MoU એક્સચેન્જ કરવામાં આવ્યા
અત્યાર સુધીમાં ૧૬ સિરીઝમાં ૧૭૭ MoU દ્વારા ૩ લાખ ૧૪ હજાર ૪૬૯ કરોડ રૂપિયાનું સૂચિત રોકાણ અને તેના થકી ૯ લાખ ૧૯ હજાર જેટલી રોજગારીની તકો પ્રાપ્ત થવાની છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓની ઉપસ્થિતિમાં આજે આવા MoU સિરિઝની ૧૭મી કડીમાં એક જ દિવસમાં રૂ. ૭,૧૭,૨૫૦ કરોડના સંભવિત રોકાણો માટેના ૫૮ પ્રોજેક્ટ્સના MoU એક્સચેન્જ કરવામાં આવ્યા હતા. આના પરિણામે ભવિષ્યમાં ૩,૭૦,૧૬૫ સંભવિત રોજગારીની તકો ઊભી થશે. આ બુધવારે થયેલા ૫૮ MoUમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર સાહસો NTPC, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ, ONGC, HPCL, IOCL તથા રાજ્ય સરકારના સાહસો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પાવર કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશન દ્વારા પણ MoU કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પ્રતિષ્ઠિત અને અગ્રણી ઉદ્યોગ ગૃહોએ પણ ક્ષેત્રોમાં રોકાણોના MoU કર્યા હતા.

શહેરી વિકાસ જેવા ઘણા નિર્ણાયક ક્ષેત્રોનો સમાવેશ
અત્યાર સુધીમાં આમ કુલ ૧૭ કડીમાં સમગ્રતયા વિવિધ ૨૩૪ MoU કરવામાં આવ્યા છે. તેના દ્વારા સંભવિત ૧૦,૩૧,૨૫૦ કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ અને ૧૨,૮૯,૦૭૮ થી વધુ રોજગારી સર્જનની તકો ઊભી થવાનો અંદાજ છે. આ MoU જે સેક્ટરમાં સંભવિત રોકાણો માટે થયા છે, તેમાં ઈલેક્ટ્રિક વ્હીકલ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ, બાયોટેકનોલોજી, સિમેન્ટ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, પોર્ટ્સ, એજ્યુકેશન, એન્જિનિયરિંગ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, ઈન્ડસ્ટ્રિયલ પાર્ક, આઈ.ટી.-આઈટીઈએસ, લોજિસ્ટિક્સ, ઓઈલ એન્ડ ગેસ, પેકેજિંગ, પ્લાસ્ટિક, પાવર, ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલ એનર્જી, ટેક્ષટાઈલ અને એપેરલ્સ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન, શહેરી વિકાસ જેવા ઘણા નિર્ણાયક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં રોજગારીના તથા આર્થિક ઉન્નતિના અનેક અવસરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં ૭ લાખ ૧૭ હજાર કરોડ રૂપિયા માટેના સંભવિત રોકાણો માટે MoU થવાની આ ગૌરવ ઘટનાને રાજ્યના ઈતિહાસમાં સિદ્ધિરૂપ ગણાવી હતી.તેમણે કહ્યું કે, વાઈબ્રન્ટ સમિટમાં થતાં MoUના અમલીકરણથી ગુજરાતમાં રોજગારીના તથા આર્થિક ઉન્નતિના અનેક અવસરો ઊભા થયા છે. રાજ્ય સરકાર ઉદ્યોગોમાં રોકાણો માટે આવતા નિવેશકોને કોઈ મુશ્કેલી ન પડે તેવા પ્રો-એક્ટિવ એપ્રોચ સાથે મદદ માટે તત્પર છે.

આ પણ વાંચોઃ ગુજરાતના સાત લાખ વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ લોન્ચ

 

Back to top button