ગૂજરાત વિદ્યાપીઠનો ૬૯ મો પદવીદાન સમારંભ યોજાયો
- રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પદવીદાન સમારંભની ગરિમાપૂર્ણ ઉજવણી
- અક્ષરજ્ઞાન તો કોઈ પણ યુનિવર્સિટી આપી શકે, આપણે સંસ્કારવાન-ચારિત્ર્યવાન યુવાનોનું નિર્માણ કરીએ: શ્રી આચાર્ય દેવવ્રતજી
- આપણે-ગૂજરાત વિદ્યાપીઠે પૂજ્ય બાપુના આદર્શોને, મિશનને પુરા સમર્પણભાવથી જનઆંદોલન બનાવવાની આવશ્યકતા છે
- ૬૧ પીએચડી, ૧૦ એમ.ફિલ., ૪૩૪ એમ.એ., ૩૯૭ બી.એ. અને ૫૧ પી.જી. ડિપ્લોમાની પદવીઓ અપાઈ : ૪૩ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ૬૨ પારિતોષિકો એનાયત
અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના ૬૯ મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ૬૧ પીએચડી, ૧૦ એમ.ફિલ., ૪૩૪ એમ.એ., ૩૯૭ બી.એ. અને ૫૧ પી.જી. ડિપ્લોમાની પદવીઓ અપાઈ હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ૪૩ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ૬૨ પારિતોષિકો એનાયત કર્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, ૧૦૪ વર્ષ પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ઉચ્ચ આદર્શો અને ઉદ્દેશ્યો સાથે સ્થાપેલી આ સંસ્થામાંથી શિક્ષણ લઈને સમાજ સમક્ષ જઈ રહેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પૂજ્ય બાપુના સત્ય, અહિંસા અને અપરિગ્રહના ગુણો સાથે કુરિવાજોના નિર્મૂલન અને લોકકલ્યાણ માટે પ્રવૃત્ત થવાની પ્રતિજ્ઞા લેશે તો આ દીક્ષાંત સમારોહ સાચા અર્થમાં ઐતિહાસિક સમારોહ બનશે. અક્ષરજ્ઞાન તો કોઈ પણ યુનિવર્સિટી આપી શકે, પૂજ્ય બાપુનું મિશન ભારતીય જીવનમૂલ્યો પ્રમાણે સંસ્કારવાન-ચારિત્રવાન યુવાનોના નિર્માણનું હતું. આપણે એ આદર્શોને સમાજ સુધી લઈ જવા સામૂહિક પ્રયાસો કરીએ અને પૂજ્ય બાપુના આદર્શનું ભારત બનાવીએ.
પૂજ્ય બાપુએ વિદ્યાર્થીઓને માત્ર અક્ષરજ્ઞાન આપવા કે ડિગ્રીઓ વહેંચવા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના નહોતી કરી, તેઓ વિચારોમાં પ્રબુદ્ધ હોય, સંસ્કારથી ઉન્નત હોય, બૌદ્ધિક સમૃદ્ધ હોય અને ભારતીય જીવનમૂલ્યોના આધારે જીવન જીવતા હોય એવા યુવાન-યુવતીઓના નિર્માણ માટે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. ભૂતકાળમાં ગૂજરાત વિદ્યાપીઠના છાત્રોએ માતૃભાષા, રાષ્ટ્રભાષા, આત્મનિર્ભર ભારત અને ગ્રામ સ્વરાજ જેવા આંદોલનોનું નેતૃત્વ કર્યું છે. દેશના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આજે પૂજ્ય બાપુના આદર્શોને એવી જ તત્પરતા, સમર્પણ અને કર્મઠતાથી આગળ વધારવાના ચિંતન સાથે સંકલ્પબદ્ધ થવાની આવશ્યકતા છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે સૂર્યએ સામે ચાલીને ક્યારેય નથી કહેવું પડતું કે, તે ઉદય થયો છે. સૂર્યપ્રકાશ જ તેનું પ્રમાણ છે. પૂજ્ય ગાંધીજીએ પણ એક જ વાક્યમાં કહ્યું હતું કે, “મેરા જીવન હી મેરા સંદેશ હૈ”. આપણે-ગૂજરાત વિદ્યાપીઠે પૂજ્ય બાપુના આદર્શોને, મિશનને પુરા સમર્પણભાવથી જનઆંદોલન બનાવવાની આવશ્યકતા છે.
તેમણે વિદ્યાર્થીઓ, ગુરુજનો અને વિદ્યાર્થીઓના માતા-પિતાઓને સંબોધતાં કહ્યું હતું કે, છાત્રોએ જીવનમાં સદાય સત્યનો માર્ગ અપનાવો જોઈએ. સત્ય અને અહિંસા પૂજ્ય બાપુના મજબૂત આલંબન હતા. સત્ય જ જીવનની સચ્ચાઈ છે. જીવન કેવલ સત્ય આધારિત હોવું જોઈએ. છાત્રોએ ધર્મનું એટલે કે કર્તવ્યનું પાલન કરવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવું એ જ ધર્મ છે. યુવાનોએ માતૃધર્મ, પિતૃધર્મ, પરિવારધર્મ અને રાષ્ટ્રધર્મ અપનાવવો જોઈએ. ધર્મપાલન એટલે કે કર્તવ્યપાલનથી જ જવાબદાર નાગરિકનું નિર્માણ સંભવ છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૂજરાત વિદ્યાપીઠના સૂત્ર ‘सा विद्या या विमुक्तये’ નો સંદર્ભ આપતાં કહ્યું કે, કુરિવાજો, ખોટી પરંપરાઓ અને બંધનોમાંથી મુક્તિ આપે એ જ સાચી વિદ્યા. પૂજ્ય બાપુ ભૌતિક અને સામાજિક બંધનોમાંથી મુક્ત થવા શિક્ષાના આગ્રહી હતા. માનવીને પૂર્ણ બનાવે, સાદગીપૂર્ણ આદર્શ જીવન જીવે, સ્વચ્છતાના હિતૈષી બનાવે એવી વિદ્યાના સંવાહક હતા. પૂજ્ય બાપુનું ચિંતન આ દેશના ઋષિમુનિઓ જેવું ચિંતન હતું.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી બની રહેવાની શીખ આપતાં કહ્યું હતું કે, સતત શીખતા રહેવાથી સંસ્કારવાન થવાય છે. પોતાની વિદ્યા અને જ્ઞાન લોકોના કલ્યાણ માટે સતત વાપરતા રહેવું જોઈએ. પદવીઓ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ સંકલ્પ લે કે, તેઓ બાપુના માર્ગે ચાલીને સ્વાસ્થ્ય, પર્યાવરણ અને પાણી બચાવવા પ્રયત્નશીલ રહેશે. પાણી માટે ગ્રામ્ય વિસ્તારોમાં નવા તળાવ-ચેકડેમ બનાવે, પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણના કાર્યો કરે અને આવનારી પેઢીઓને સ્વસ્થ આહાર મળે એ માટે પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવવામાં સહભાગી બને. આવા સંકલ્પોથી પૂજ્ય બાપુનું મિશન પૂર્ણ થશે અને તેમના આત્માને શાંતિ મળશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૂજ્ય બાપુ પ્રત્યેના સમર્પિત ભાવથી સ્વચ્છતાને જનઆંદોલન બનાવ્યું છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આજે ભારતમાં આબાલ-વૃદ્ધ સહુ કોઈ સ્વચ્છતાના મિશનમાં જોડાઈ ગયા છે.
કાર્યકારી કુલનાયક શ્રી પ્રો. ભરતભાઈ જોશીએ આ પ્રસંગે કહ્યું હતું કે, આ સંસ્થા મક્કમ મનોબળ અને સકારાત્મક પરિવર્તનને આધાર બનાવી નવી ક્ષિતિજો તરફ આગળ વધી રહી છે તેની સંતોષપ્રદ અનુભૂતિ થાય છે. દુનિયા બદલાઈ રહી છે તેથી મનને જે સક્ષમ બનાવે છે અને સકારાત્મક પરિવર્તનને જે અનુસરે છે તે નવી સીમાઓને પાર કરે છે. ગૂજરાત વિદ્યાપીઠ સ્થાપનાકાળે જે ધ્યેયો માટે થઈને કાર્યરત હતી તે ધ્યેયો માટે આજે પણ સક્રિય છે. શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો અમારો પ્રયાસ જવાબદાર વૈશ્વિક નાગરિકોના સર્જન માટે છે. તેમણે કહ્યું હતું કે, આવતા વર્ષમાં અમે પ્રેરણા, શિક્ષણ અને પરિવર્તન કરવાના અમારા મિશનમાં અડગ છીએ. અમે અમારા તમામ પ્રયાસોના મૂળમાં ગાંધીજી સુચિત મૂલ્યોને રાખીને ગુણવત્તાયુક્ત શિક્ષણના સતત બદલાતા લેન્ડસ્કેપને અનુકૂળ થવાનું ચાલુ રાખીશું. સાથે મળીને અમે વધુ ઉજ્જવળ, વધુ ન્યાયપૂર્ણ અને વધુ ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરીશું.
વિદ્યાપીઠ ગાન સાથે દીક્ષાંત સમારોહનો આરંભ થયો હતો, ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના થઈ હતી. રાજ્યપાલ અને કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે વાર્ષિક અહેવાલ અને વિદ્યાપીઠની વેબસાઈટનું લોકાર્પણ કરાયું હતું. આ અવસરે પૂર્વ શિક્ષણ મંત્રી અને ગૂજરાત વિદ્યાપીઠ મંડળના ટ્રસ્ટી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંડળના મંત્રી ડૉ. હર્ષદ પટેલ, ગૂજરાત વિદ્યાપીઠ ટ્રસ્ટી મંડળના તમામ સભ્યો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકારી કુલસચિવ શ્રી ડૉ. નિખિલભાઇ ભટ્ટે સમારોહનું સંચાલન કર્યું હતું.
આ પણ વાંચોઃ ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલનું 1800 વિદ્યાર્થી સાથે સ્વચ્છતા અભિયાન