- ચૂંટણી પંચ દ્વારા સાંજે 5 વાગ્યા સુધીના મતદાનના પ્રાથમિક આંકડા જાહેર
- હજુ આંક ઉપર જવાની સંભાવના વ્યક્ત કરતું EC
- મોડી સાંજ સુધીમાં આંકડાઓ થશે જાહેર કરાશે
છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા સાંજે 5 વાગ્યા સુધીના મતદાનના પ્રાથમિક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ છત્તીસગઢમાં 67.34 ટકા અને મધ્ય પ્રદેશમાં 71.11 ટકા મતદાનનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે, હજુ આ આંક ઉપર જવાની સંભાવના EC દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે મોડી સાંજે અંતિમ આંકડાઓ જાહેર થાય તેવી શકયતા છે.
અંતિમ કલાકો સુધી મતદારો પહોંચતા હતા
મહત્વનું છે કે, આ ચૂંટણીમાં લોકોમાં મતદાન કરવામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જેથી મતદાનના કલાકોના અંત સુધી મતદાન મથકો પર પહોંચતા મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે છે તેમ ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુમાં EC એ જણાવ્યું હતું કે, મતદાન સંબંધિત દસ્તાવેજોની ચકાસણી પછી શનિવાર સુધીમાં અંતિમ આંકડાઓ જાણી શકાશે.
બંને વિધાનસભાની 300 બેઠકો ઉપર મતદાન
ઉલ્લેખનીય છે કે, આજે શુક્રવારે બીજા તબક્કામાં છત્તીસગઢની કુલ 70 વિધાનસભા બેઠકો પર જ્યારે મધ્ય પ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો મળી કુલ 300 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો દ્વારા એડીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું. ત્યારે આગામી 3જી ડિસેમ્બરના રોજ આવનાર પરીણામમાં સામે આવશે કે મતદારોએ કોને પસંદ કર્યા છે અને કોને નકાર્યા છે.