- 870 પ્રકારની દવાઓમાંથી 651 દવાઓના ભાવમાં કરાયો ઘટાડો
- આવશ્યક દવાઓના ભાવમાં 17 ટકાનો કરાયો ઘટાડો
- આગામી 15 થી 25 દિવસમાં વધુ 200 દવાઓના ભાવ ઘટશે
- મેટફોર્મિનની કિંમતમાં 5.63 ટકાનો ઘટાડો
પેરાસીટામોલ દવા હવે દવાની દુકાનો પર 1 રૂપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે. આવશ્યક દવાઓની યાદીમાં સુધારા બાદ અત્યાર સુધીમાં 651 દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પેરાસીટામોલની એક ટેબ્લેટ 89 પૈસામાં અને ડાયાબિટીસ ટાઈપ-2ના દર્દીઓ માટે મેટફોર્મિન બે રૂપિયામાં મળશે. આગામી 15 થી 25 દિવસમાં વધુ 200 દવાઓના ભાવમાં ઘટાડો થવા જઈ રહ્યો છે.
આવશ્યક દવાઓના ભાવમાં 17 ટકાનો ઘટાડો
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA) એ દાવો કર્યો છે કે આવશ્યક દવાઓના ભાવમાં 17 ટકાનો ઘટાડો થયો છે. પેરાસીટામોલ 500 મિલિગ્રામ ટેબ્લેટ 12 ટકા સુધી સસ્તી થઈ છે. હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી ગૂંચવણોમાં ઉપયોગી ટેલમીસર્ટન દવા 7.65 ટકા સસ્તી થઈ છે. મેટફોર્મિનની કિંમતમાં 5.63 ટકાનો ઘટાડો થયો છે. અગાઉ, મેટફોર્મિનની એક ટેબ્લેટ રૂ. 2.13માં અને ટેલમીસર્ટન 40 એમજી રૂ. 7.32માં ઉપલબ્ધ હતી.
870 પ્રકારની દવાઓમાંથી 651 દવાઓના ભાવમાં ઘટાડો
NPPA અનુસાર, સરકાર ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર, 2013 હેઠળ દર વર્ષે કિંમતોની સમીક્ષા કરે છે. નવેમ્બર, 2022માં આવશ્યક દવાઓની યાદીમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ યાદીમાં 870 પ્રકારની દવાઓનો સમાવેશ થાય છે. તેમાંથી 651 દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 1 એપ્રિલથી, આવશ્યક દવાઓના મહત્તમ ભાવમાં 12.12 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ સુધારેલી સૂચિની સમીક્ષાને કારણે, દવાઓ સસ્તી થઈ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એપ્રિલ 2022 સુધી પેરાસિટામોલ ટેબ્લેટ 1.01 રૂપિયામાં ઉપલબ્ધ હતી, પરંતુ નવેમ્બર 2022માં સુધારા બાદ તેની કિંમત 80 પૈસા પર પહોંચી ગઈ. 1 એપ્રિલથી નવી કિંમતના આધારે, તે 89 પૈસામાં ઉપલબ્ધ છે.