દેશ છોડવાની તૈયારીમાં 6500 અતિ સમૃદ્ધ ભારતીય: રિપોર્ટ
આ વર્ષે દેશના 6500 અત્યંત અમીર અથવા અતિ સમૃદ્ધ ભારતીય દેશ છોડી શકે છે. હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ (2023)માં આનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આવા લોકોને અતિ સમૃદ્ધની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, જેઓ ઓછામાં ઓછા 10 લાખ ડોલર અથવા 8.2 કરોડ રૂપિયા અન્ય કોઈ જગ્યાએ રોકાણ કરી શકે છે. આ રોકાણમાં તે દરેક વસ્તુનો સમાવેશ થાય છે જેમાં વ્યક્તિની પ્રોપર્ટી, રોકડ અને ઇક્વિટી અને રોકાણ કરવા લાયક બધી જ ચીજો સામેલ છે.
2023 માટેનો પ્રસ્તાવિત આંકડો જો તે સાચો નીકળશે તો ભારત ચીન પછી બીજો એવો દેશ બનશે જ્યાંથી મોટાભાગના અતિ સમૃદ્ધ અથવા ઉચ્ચ નેટ-વર્થ વ્યક્તિઓ અન્ય દેશોમાં સ્થળાંતર કરશે. રિપોર્ટ અનુસાર, આ વર્ષે અમીરો માટે દેશ છોડ્યા પછી તેમના સૌથી વધુ પસંદગીના દેશોમાં ઓસ્ટ્રેલિયા, યુએઈ, સિંગાપોર, અમેરિકા અને સ્વિટ્ઝર્લેન્ડ હોઈ શકે છે.
રિપોર્ટ અનુસાર આ વર્ષે ચીન, ભારત, બ્રિટન, રશિયા અને બ્રાઝીલ ક્રમશ: પાંચ એવા દેશ છે, જ્યાંથી સૌથી વધારે અમીરોનું પલાયન થઈ શકે છે.
આ પણ વાંચો- બિપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે કચ્છમાં ભૂકંપના આચંકા,લોકોમાં ભયનો માહોલ
અમીરોની બાબતમાં ભારત ક્યાં ઊભું છે?
જો તમે આંકડા પર નજર નાખો તો વર્ષ 2022ના અંત સુધીમાં ભારત વિશ્વના 10 સૌથી ધનિક દેશોમાં સામેલ હતું અને ભારતનો ક્રમ દસમો હતો. હવે જો આપણે ખૂબ સમૃદ્ધ અથવા ઉચ્ચ નેટ-વર્થ વ્યક્તિઓની વસ્તી જોઈએ તો ભારતમાં કુલ 3,44,600 લોકો છે. તેમાંથી 1078 લોકો એવા છે જેમની સંપત્તિ 100 મિલિયનથી વધુ છે. 123 લોકો એવા છે જેમની સંપત્તિ 1 અબજ રૂપિયા અથવા 8,200 કરોડ રૂપિયાથી વધુ છે.
બીજી તરફ ચીનમાં 780,000 અતિ સમૃદ્ધ લોકો છે. તેમાંથી 285 અબજોપતિ છે. તો અમેરિકામાં 52,70,000 અતિ સમૃદ્ધ લોકો છે જેની વસ્તી ચીન અને ભારત કરતા ઘણી ઓછી છે. જેમાં 770 અબજોપતિ છે.
અમીરો દેશ કેમ છોડી રહ્યા છે?
હેનલી એન્ડ પાર્ટનર્સના સીઈઓ જુર્ગ સ્ટીફન શ્રીમંતોના આ રીતે દેશ છોડવાના કારણ લખતા જણાવે છે કે, ‘અતિશય અમીર લોકો આ રીતે પોતાનો દેશ છોડે છે તે એવું દર્શાવે છે કે તેમના દેશની અર્થવ્યવસ્થા કઈ દિશામાં જઈ રહી છે અને ભવિષ્યમાં શું થવાનું છે. સાથે જ એ પણ દર્શાવે છે કે તેમના પોતાના દેશ પ્રત્યેનો તેમનો વિશ્વાસ ઘટી રહ્યો છે. આવા લોકો પાસે દેશ છોડવાનો વિકલ્પ પણ હોવાથી તેઓ તેનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો- મની લોન્ડરિંગ કેસમાં તમિલનાડુના ઊર્જા મંત્રીની ધરપકડ બાદ થયો મોટો ખુલાસો
ક્યાં જવાનું પસંદ કરે છે અમીરો?
સ્ટીફન લખે છે કે જ્યારે એક દેશ છોડીને બીજા દેશને પસંદ કરવાની વાત આવે છે, ત્યારે આ ક્રમમાં રાજકીય સ્થિરતા, ઓછો કર, વ્યક્તિગત સ્વતંત્રતા, ગુણવત્તાયુક્ત જીવન જેવી બાબતો મહત્વપૂર્ણ છે. આ સિવાય સુરક્ષા પણ એક મહત્વપૂર્ણ પરિબળ છે. એટલા માટે બધા ધનિકો કડક કાયદા અને વધુ આર્થિક સ્વતંત્રતા ધરાવતો દેશ પસંદ કરી રહ્યા છે.