અમદાવાદ શહેરમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 65થી 70 ટકા જેટલો ઘટાડો, દર્દીઓ હાલાકી
- અમદાવાદની એલજી હોસ્પિટલ બ્લડ સેન્ટર ખાતે પણ બ્લડની અછત
- હાલમાં માંડ 1250થી 1500 જેટલા બ્લડ યુનિટ મળી રહ્યા છે
- તબીબના કહેવા પ્રમાણે, એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિની જિંદગી બચી શકે છે
અમદાવાદ શહેરમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 65થી 70 ટકા જેટલો ઘટાડો થયો છે. જેમાં બ્લડ બેંકોમાં હજુયે લોહીની તંગી છે. તેમાંમ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને સ્વજનોને હાલાકી પડી રહી છે. ગરમી અને વેકેશન વચ્ચે બ્લડ ડોનેશન કેમ્પોને ઠંડા પ્રતિસાદથી ચિંતા વધી છે. એ અને એબી પોઝિટિવ બ્લડ યુનિટની ભારે તંગી સર્જાઈ છે.
આ પણ વાંચો: ગુજરાત: વડતાલ તાબાના વાડી સ્વામિનારાયણ મંદિરના જે.પી.સ્વામી સામે દુષ્કર્મનો આરોપ
હાલમાં માંડ 1250થી 1500 જેટલા બ્લડ યુનિટ મળી રહ્યા છે
કાળઝાળ ગરમીમાં અમદાવાદ શહેરમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 65થી 70 ટકા જેટલો ઘટાડો યથાવત્ રહ્યો છે, જેના કારણે હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સ્વજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, વિવિધ સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ રહ્યા છે પરંતુ જોઈએ તેટલો રિસ્પોન્સ મળતો નથી. ઉનાળો અને વેકેશન સહિતના સંજોગોમાં દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. અમદાવાદની એક ખાનગી બ્લડ બેંક સાથે સંકળાયેલા સૂત્રો કહે છે કે, સામાન્ય રીતે મહિનામાં 3500થી 4000 યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવતું હોય છે, જોકે હાલમાં માંડ 1250થી 1500 જેટલા બ્લડ યુનિટ મળી રહ્યા છે.
અમદાવાદની એલજી હોસ્પિટલ બ્લડ સેન્ટર ખાતે પણ બ્લડની અછત
એક અંદાજ પ્રમાણે 65થી 70 ટકા જેટલા બ્લડ યુનિટની તંગી છે. આવી જ સ્થિતિ અન્ય બ્લડ બેંકોની પણ છે. તાજેતરમાં જ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પણ બ્લડ ડોનેશન માટે જાહેર અપીલ કરવી પડી હતી, જ્યાં એ અને એબી પોઝિટિવ બ્લડ યુનિટની ભારે તંગી સર્જાઈ હતી. હાલમાં પણ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ યુનિટની અછત વર્તાઈ રહી છે. અમદાવાદની શારદાબહેન હોસ્પિટલ ખાતેની બ્લડ બેંકમાં એબી પોઝિટિવ અને બી પોઝિટિવ બ્લડ ઉપલબ્ધ છે પરંતુ યુનિટની માત્રા ઓછી છે. અમદાવાદની એલજી હોસ્પિટલ બ્લડ સેન્ટર ખાતે પણ બ્લડની અછત છે. સરકારી, ખાનગી, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોની બ્લડ બેંકમાં આ જ પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે.
તબીબના કહેવા પ્રમાણે, એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિની જિંદગી બચી શકે છે
સૂત્રો કહે છે કે, કેટલીક બ્લડ બેંકો નિયમિત રીતે જે બ્લડ ડોનેટ કરે છે તેવા લોકોનો સામે ચાલીને પણ સંપર્ક કરી રહી છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે નિયમિત લોહી આપવું પડે છે, જેમાં સ્વૈચ્છિક રક્તદાતાનો સંપર્ક કરાઈ રહ્યો છે. હોસ્પિટલોમાં દાખલ જે તે દર્દીના સગા દ્વારા લોહી મેળવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. તબીબના કહેવા પ્રમાણે, એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિની જિંદગી બચી શકે છે.