શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા 63 વર્ષીય ખેડૂતનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ
- શંભુ બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત જ્ઞાન સિંહને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યાં તેમને ડોક્ટરે મૃત જાહેર કર્યા
પંજાબ, 16 ફેબ્રુઆરી: ખેડૂતોના MSP પર કાયદાની માગણી સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન શંભુ બોર્ડર પર એક વિરોધ કરી રહેલા ખેડૂતનું મૃત્યુ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે હરિયાણાના અંબાલા નજીક શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોમાંના એક 63 વર્ષીય જ્ઞાન સિંહને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મૃત્યુ થયું હતું.
રિપોર્ટ અનુસાર, જ્ઞાન સિંહ નામના એક વ્યક્તિએ સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તેમને પંજાબના રાજપુરાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે ત્યારબાદ તેમને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે.
પંજાબના ગુરદાસપુર જિલ્લાના રહેવાસી જ્ઞાન સિંહ બે દિવસ પહેલા ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચમાં ભાગ લેવા શંભુ બોર્ડર આવ્યા હતા. આ ચળવળનો મુખ્ય ઉદ્દેશ ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી)ની કાયદાકીય ગેરંટી અને અન્ય માંગણીઓ છે. ખેડૂત સંગઠનો સરકાર પર દબાણ લાવી રહ્યા છે, જેના પછી અનેક રાઉન્ડની ચર્ચા બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નથી.
શંભુ બોર્ડર પર ખેડૂતો કરી રહ્યા છે આંદોલન
સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ દિલ્હી ચલો માર્ચનું આહ્વાન કર્યું હતું. ખેડૂતોએ મંગળવારે કૂચ શરૂ કરી હતી અને ત્યારથી તેઓ પંજાબ અને હરિયાણાની શંભુ અને ખનૌરી સરહદો પર પડાવ નાખી રહ્યા છે. ગુરુવારે ખેડૂત યુનિયનના નેતાઓ અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત પણ અનિર્ણિત રહી હતી. આગામી તબક્કાની વાતચીત હવે રવિવારે ફરી થશે.
જાણો સાંજના 4 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા
ખેડૂતોના પ્રદર્શનને કારણે રાજધાની દિલ્હીમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. સંયુક્ત ખેડૂતો અને કિસાન મજદૂર મોરચાએ આજે (16 ફેબ્રુઆરી) ભારત બંધનું એલાન આપ્યું છે. જેના કારણે સરહદો પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. જેના કારણે કચેરીનો સમય શરૂ થતા જ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે.
દિલ્હીમાં ભારે જામ
ગાઝીપુર બોર્ડર પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. જો કે, ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીની સરહદો પર બેરિકેડિંગના કારણે માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. તેના કારણે પણ છેલ્લા ચાર દિવસથી દિલ્હીની સરહદો પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે.
આ પણ વાંચો: Air Indiaએ મુંબઈ એરપોર્ટ પર વૃદ્ધ પેસેન્જરને વ્હીલચેર ન આપી, ચાલતા-ચાલતા થયું મોત