સાબરકાંઠાની પોન્ઝી સ્કીમ વિરુદ્ધ એક્શન: મુખ્ય એજન્ટ, કમિશન એજન્ટ સહિત છ આરોપી CIDના સકંજામાં
સાબરકાંઠા, 28 નવેમ્બર, 2024: BZ GROUPના કૌભાંડ કેસમાં આજે કેટલીક વધુ ધરપકડ થઈ છે. અત્યાર સુધીમાં આ કેસમાં છ આરોપી ઝડપાયા છે, પરંતુ હજુ મુખ્ય આરોપી ફરાર છે. રાજ્યમાં એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મોટા પાયે ચાલી રહેલી પૉન્ઝી સ્કીમનો CID ક્રાઇમે પર્દાફાશ કર્યો હતો. હવે આ કેસમાં વધુ પગલાં લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન, આશ્ચર્યજનક રીતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કેટલાક લોકો ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં આવતીકાલે શુક્રવારે રેલી કાઢવાની પણ હિલચાલ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.
સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યાંનો આરોપ લાગ્યો છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ તેમજ કેસને લગતા પુરાવા એકઠા કરીને કાર્યવાહી કરી છે.
6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી BZ GROUPના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ કરવામાં આવી છે. ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અંતર્ગત પણ ફરિયાદ નોંધવામાં આવી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાની વૈભવી લાઈફસ્ટાઈલ
ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે કરોડો રૂપિયાની વૈભવી કાર છે. ભૂપેન્દ્રસિંહને લેક્સસ, લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કારના શોખ છે. ભૂપેન્દ્ર ઝાલા પાસે ૨૧ લક્ઝરી ગાડીઓ છે, જેમાં ઓડી, મર્સિડીઝ, ટોયટો, મે બેક, પોર્સ અને અન્ય બીજી ગાડીઓનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં જન્મદિવસની ઉજવણી સમયે ભૂપેન્દ્ર ઝાલાએ સોનાનો તાજ પહેર્યો છે. સોનાનો તાજ પહેરી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ જન્મદિવસની ઉજવણી કરી હતી. સૂત્રો દ્વારા જાણવા મળે છે કે, ભૂપેન્દ્રસિંહે તેના એક જૂના સહ-કર્મચારી, જેની પાસે 36 વૈભવી કાર હતી તેને ચેલેન્જ આપી હતી કે પોતે 37 વૈભવી કાર વસાવીને એ સહ-કર્મચારીને પાછળ પાડી દેશે. અને એ જ લ્હાયમાં પોન્ઝી સ્કીમ દ્વારા ભૂપેન્દ્રસિંહ એક પછી એક વૈભવી કાર વસાવી રહ્યા છે.
એજન્ટો અને પેટા એજન્ટોને તગડું કમિશન ચૂકવીને સામાન્ય નાગરિકો સાથે છેતરપિંડી
ભૂપેન્દ્રસિંહની પોન્ઝી સ્કીમમાં સરેરાશ ૧૦ લાખના રોકાણ ઉપર આ રીતે ખર્ચ થતોઃ
રોકાણકારને – ૩% માસિક
રોકાણ લાવનાર એજન્ટને – ૧ % પ્રતિમાસ
એજન્ટ ઉપર એજન્ટ લેવલ ૧ – ૦.૭૫%
એજન્ટ લેવલ ૨ – ૦.૫૦%
એજન્ટ લેવલ ૩ – ૦.૨૫%
ફ્રેન્ચાઈઝી ઓફિસ – ૧%
એક રોકાણકારના રોકાણ પાછળ માસિક ખર્ચ ૭.૫% થાય છે અને તેના અનુપાતમાં વાર્ષિક ખર્ચ ૯૦% થાય છે. દરેક લેવલના એજન્ટો ને અંદાજિત ૫% ભેટ, જેમાં વિદેશ પ્રવાસ, મોંઘા મોબાઈલ ફોન, લક્ઝરી ગાડીઓ અને અન્ય નાની મોટી ભેટનો સમાવેશ થાય છે.
દરમિયાન, સૂત્રો દ્વારા એવી જાણકારી પણ મળી છે કે, ભૂપેન્દ્રસિંહે બનાસકાંઠાની બ્રોમર કૉલેજ ખરીદવા માટે રૂપિયા 101 કરોડમાં સોદો કર્યો હતો અને એ પેટે રૂપિયા 40 કરોડ ચૂકવ્યા હતા. ત્યારપછી એ કૉલેજનું નામ બદલીને BZ ગ્લોબલ એજ્યુકેશન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક સંસ્થામાં 20થી વધુ ફેકલ્ટી બનાવવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. જોકે બ્રોમર કૉલેજના જૂના સંચાલકોને હજુ સુધી બાકીના રૂપિયા 60 કરોડ ચૂકવાના બાકી છે અને એ જ સમયે આ પોન્ઝી કૌભાંડ બહાર આવ્યું છે અને ભૂપેન્દ્રસિંહ ફરાર છે ત્યારે તેમની શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ પ્રશ્નાર્થ ઊભા થયા છે.
મોટું નામ કરવા માગતા હતા ભૂપેન્દ્રસિંહ
મોટું નામ કરીને રાજકીય નેતા તરીકે છાપ ઊભી કરવા માગતા ભૂપેન્દ્રસિંહ ઝાલા પોન્ઝી સ્કીમ દ્વારા લોકો પાસેથી મળતા પૈસામાંથી વિવિધ સેવા કાર્યો કરવાનો ડૉળ પણ કરતા હોવાનું જાણવા મળે છે. આ માટે ચાલુ વર્ષે જ તેમણે ગરીબ પરિવારો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. તે ઉપરાંત હિંમતનગર તાલુકાના મૂંછની પાળ ગામે ગરીબો માટે 100 ઘર બનાવવાની પણ જાહેરાત કરી હતી.
કૌભાંડીના સમર્થનમાં દેખાવો
એક તરફ પોલીસ ભૂપેન્દ્રસિંહને શોધી રહી છે ત્યારે બીજી તરફ તેમનો સમુદાય તેમના સમર્થનમાં ઉતરી આવ્યો છે. એક સોશિયલ મીડિયા અખબારમાં આ અંગે લખાણ પ્રકાશિત થયું હોવાનું જાણવા મળે છે. એ સોશિયલ મીડિયા અખબારમાં ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોને ભૂપેન્દ્રસિંહના સમર્થનમાં એકત્ર થઈને ગાંધીનગર કૂચ કરવાની પણ હાકલ કરવામાં આવી છે.
આ પણ વાંચો….વાપીમાં CGST કચેરીનો ઈન્સ્પેક્ટર રૂ.40 હજારની લાંચ લેતા પકડાયો