પ્રથમ તબક્કામાં 102 બેઠક ઉપર નોંધાયું 60.03 % મતદાન
નવી દિલ્હી, 19 એપ્રિલ :આજે લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 1600થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં નવ કેન્દ્રીય પ્રધાનો, બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અને એક ભૂતપૂર્વ રાજ્યપાલનું ભાવિ પણ દાવ પર છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલ્યું હતું. આજે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની 92 વિધાનસભા બેઠકો પર પણ મતદાન થયું હતું.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.
દેશભરમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં આજે 102 બેઠકો પર મતદાન થયું હતું, જે સાંજે 7 વાગ્યા સુધી કુલ 60.03% મતદાન થયું હતું. જેમાં આંદામાન નિકોબાર – 56.87 ટકા, અરુણાચલ પ્રદેશ – 65.46 ટકા, આસામ – 71.38 ટકા, બિહાર- 47.49 ટકા, છત્તીસગઢ- 63.41%, જમ્મુ અને કાશ્મીર- 65.08%, લક્ષદ્વીપ- 59.02%, મધ્ય પ્રદેશ- 63.33%, મહારાષ્ટ્ર- 55.29%, મણિપુર- 68.62% મેઘાલય- 70.26%, મિઝોરમ- 54.18%, નાગાલેન્ડ- 56.77%, પુડુચેરી- 73.25%, રાજસ્થાન- 50.95%, સિક્કિમ- 68.06%, તમિલનાડુ- 62.19%, ત્રિપુરા- 79.90%, ઉત્તર પ્રદેશ- 57.61%, ઉત્તરાખંડ- 53.64%, પશ્ચિમ બંગાળ- 77.57% મતદાન થયાનું જાણવા મળ્યું છે.
વડાપ્રધાન મોદીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો
પ્રથમ તબક્કાના મતદાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મતદાન કરનારા તમામ લોકોનો આભાર માન્યો છે. ટ્વીટર પર ટ્વીટ કરીને કહ્યું કે આજના મતદાનને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. તે સ્પષ્ટ છે કે સમગ્ર ભારતમાં લોકો રેકોર્ડ સંખ્યામાં એનડીએને મત આપી રહ્યા છે.