ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિમાચલમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના 6 બળવાખોર ધારાસભ્યો ગેરલાયક જાહેર

શિમલા, 29 ફેબ્રુઆરી: હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા છે. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણય બાદ આ ધારાસભ્યોની સદસ્યતા પણ રદ્દ કરવામાં આવી છે. કોંગ્રેસના આ છ ધારાસભ્યો વિરુદ્ધ આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે તેઓએ પાર્ટી દ્વારા જારી કરાયેલા વ્હીપનું પાલન ન કર્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ધારાસભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે તેમાં સુધીર શર્મા, રાજેન્દ્ર રાણા, દેવેન્દ્ર ભુટ્ટો, ઈન્દર લખન પાલ, રવિ ઠાકુર અને ચૈતન્ય શર્માનો સમાવેશ થાય છે.

છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના તેમના નિર્ણય પછી, વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ જણાવ્યું હતું કે પાર્ટીએ ગઈકાલે ગૃહમાં નાણાં બિલ પર સરકારની તરફેણમાં મતદાન કરવા માટે વ્હિપ જારી કર્યો હતો. પરંતુ આ ધારાસભ્યોએ પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું. આ કારણોસર આ છ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે વિધાનસભા અધ્યક્ષે ભાજપના 15 ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા બાદ વિધાનસભાએ રાજ્યનું બજેટ પસાર કર્યું હતું.

રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને કારણે રાજકીય ઉથલપાથલ

મહત્ત્વનું છે કે, રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ બાદ હિમાચલ પ્રદેશમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. થોડા દિવસો પહેલા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સુક્ખુએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે રાજીનામું આપ્યું નથી. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 6 ધારાસભ્યો અને 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનને ક્રોસ વોટિંગ કર્યું હતું. આ પછી હિમાચલ સરકાર જોખમમાં આવી ગઈ હતી.

તે દરમિયાન સીએમ સુખવિંદર સિંહ સુક્ખુએ કહ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. ભાજપ પક્ષને તોડવા માંગે છે, પરંતુ કોંગ્રેસ સંગઠિત છે. એમ પણ કહ્યું હતું કે કેટલાક ધારાસભ્યોના રાજકીય ઈરાદા હતા. પરંતુ તેઓએ સમજવું પડશે કે તમામ ધારાસભ્યોની રાજકીય ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે તેમ નથી. કેટલીક જગ્યાએ લાલચ પણ હતી. એક વિધાનસભ્યએ ખૂબ જ દુઃખી મન સાથે કહ્યું કે મોટી ભૂલ થઈ ગઈ છે. અમારી સરકાર સુરક્ષિત છે. અમે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીશું.

આ પણ વાંચો: હિમાચલમાં કોંગ્રેસ જ કોંગ્રેસની દુશ્મન બની, રાજ્યસભા ચૂંટણી ન જીતવાના આ છે કારણો

Back to top button