આ ચૂંટણીમાં 6 રાષ્ટ્રીય પક્ષો મેદાનમાં, જાણો કયાં રાજ્યમાં કેટલા પ્રાદેશિક પક્ષ છે?
HD News Desk (અમદાવાદ), 27 માર્ચ: દેશમાં લોકસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. લોકશાહીના પર્વને ઉજવવા સૌ નાગરિક ઉત્સુક છે, ત્યારે લોકસભા ચૂંટણીને લઈને કેટલીક બાબતો પણ જાણવી જરૂરી છે. શું તમને ખબર છે કે, આજથી 7 દાયકા પહેલા એટલે કે, સાલ 1951-52માં કુલ રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત કરેલી પાર્ટીની સંખ્યા 14 હતી. જે આજના સમયે ઘટીને 6 થઈ ગઈ છે. જેમાં આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈન્ડિયા, કોંગ્રેસ અને નેશનલ પીપલ્સ પાર્ટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મે 2023માં ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ડેટા અનુસાર, દેશમાં છ રાષ્ટ્રીય પક્ષો, 57 રાજકીય પક્ષો અને 2,597 અમાન્ય પક્ષો છે.
6 રાષ્ટ્રીય પાર્ટીના સિમ્બોલ વિશેની માહિતી
આ છ રાષ્ટ્રીય પક્ષો સૌપ્રથમ નવેમ્બર 2012માં સ્થપાયેલી આમ આદમી પાર્ટી (AAP) વિશે વાત કરીએ, જેનું ચૂંટણી પ્રતીક ઝાડું છે. બહુજન સમાજ પાર્ટી (BSP)નું ચૂંટણી ચિન્હ હાથી છે, આ પાર્ટીની સ્થાપના 39 વર્ષ પહેલા એટલે કે એપ્રિલ 1984માં થઈ હતી. કેન્દ્રમાં રહેલી ભાજપ પાર્ટીનું ચૂંટણી ચિન્હ કમળ છે. જેનો પાયો વર્ષ 1980માં નખાયો હતો. હાલ ભાજપ છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં છે. ત્યાર બાદ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M) આવે છે. તેનું પ્રતીક હથોડી, સિકલ અને તારો છે. હવે વાત કરીએ દેશની સૌથી જૂની પાર્ટીઓમાંની એક કોંગ્રેસની, જેની સ્થાપના ડિસેમ્બર 1885માં થઈ હતી, જેનું ચૂંટણી ચિન્હ પંજો છે. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) 11 વર્ષ પહેલા આવી હતી અને તેનું ચૂંટણી પ્રતીક પુસ્તક છે.
રાજ્ય આધારિત પક્ષો અંગેની વિગત
સ્વતંત્રતા બાદ રાજકીય પક્ષોની સફર રસપ્રદ રીતે ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ છે, પરસ્પર વિલીનીકરણ અને નવા પક્ષોના ઉદભવ થયા છે. તો કેટલાક પક્ષો હવે અસ્તિત્વમાં નથી. ચૂંટણી પંચના ડેટા અનુસાર, દેશમાં કુલ 57 રાજકીય પક્ષો છે. મહત્ત્વનું છે કે, કેટલાક રાજ્યોમાં રાષ્ટ્રીય પક્ષ કરતા રાજકીય પક્ષનો દબદબો વધારો છે. તો ચાલો હવે દરેક રાજ્યને લગતા પક્ષ વિશેની માહિતી જાણીએ….
1. આંધ્ર પ્રદેશમાં ચૂંટણી પંચના ડેટા પ્રમાણે બે પાર્ટીઓને દબદબો છે. જેમાં તેલુગુ દેશમ છે જેનું ચૂંટણી ચિહ્ન સાયકલ છે. જ્યારે બીજી પાર્ટી યુવાજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી છે, YSR તરીકે ઓળખાતી પાર્ટીનું ચિહ્ન છત અને પંખો છે.
2. અરૂણાચલ પ્રદેશમાં ત્રણ પક્ષો વર્ચસ્વ ધરાવે છે. જેમાં પીપ્લસ પાર્ટી ઑફ અરુણાચલ છે, જેનો સિમ્બોલ મકાઈ છે. ત્યારબાદ જનતા દળા (સેક્યુલર) અને જનતા દળ (યુનાઇટેડ) છે, જેના ચિહ્ન અનુક્રમે એક મહિલા ખેડૂત અને તીર છે.
3. આસામમાં ચાર પાર્ટીઓ છે. જેમા ઑલ ઈન્ડિયા યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) નું ચિહ્ન તાળું અને ચાવી છે. આસામ ગણ પરિષદનું પ્રતીક હાથી, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટનું પ્રતીક નાંગોલ અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલનો સિમ્બોલ ટ્રેક્ટર ચલાવતો ખેડૂત છે.
4. બિહારમાં લોકસભા ચૂંટણી માટે પાંચ પક્ષો મેદાનમાં ઉતર્યા છે. એક છે જનતા દળ-યુનાઈટેડ (JD-U). તે પછી, લોકજન શક્તિ પાર્ટી છે જેનું પ્રતીક બંગલો છે. ત્રીજા પક્ષ રાષ્ટ્રીય જનતા દળનું પ્રતીક ફાનસ છે. જ્યારે રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી પાસે છત અને પંખાનું ચિહ્ન છે. પાંચમો પક્ષ ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી-લેનિનવાદી) લિબરેશન (CPIML) છે.
5. છત્તીસગઢમાં એક જ રાજકીય પક્ષ ચૂંટણી પંચના નામે નોંધાયેલો છે. જેનું નામ જનતા કોંગ્રેસ છત્તીસગઢ છે.
6. ગોવામાં મહારાષ્ટ્રવાદી ગોમાંતક પક્ષ છે, જેનો સિમ્બોલ સિંહ છે. ગોવા ફોરવર્ડ પાર્ટીંનું પ્રતીક નારિયેળ છે, જ્યારે રેવોલુશનરી ગોવાન્સ પાર્ટીનું પ્રતીક ફૂટબોલ છે.
7. હરિયાણામાં બે રાજકીય પક્ષો છે. જેમાંથી ચાવીનું પ્રતીક ધરાવતી એક જનનાયક જનતા પાર્ટી છે. તો બીજા પક્ષનું નામ ઈન્ડિયન નેશનલ લોક દળ છે જેનું ચિહ્ન ચશ્મા છે.
8. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ રાજકીય દળોમાં જમ્મુ એન્ડ કાશ્મીર નેશનલ કોંગ્રેસ, જમ્મુ એન્ડ કાશ્મીક નેશનસ પેન્થર્સ પાર્ટી (JKNPP)અને જમ્મુ એન્ડ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) છે, જેના ચૂંટણી ચિહ્ન અનુક્રમે હળ, સાઇકલ અને કલમ, સ્યાહીનો ડબ્બો છે.
9. ઝારખંડમાં ત્રણ રાજકીય દળો આ વખતે લોકસભા ચૂંટણીમાં ઉતર્યા છે. જેમાં આજસુ પાર્ટી, જેનું પ્રતીક કેળું છે. ઝારખંડ મુક્તિ મોર્ચાનો સિમ્બોલ તીર-કમાન છે. આ ઉપરાંત રાષ્ટ્રીય જનતા દળ પણ સામેલ છે.
10. કર્ણાટકમાં એક જ રાજકીય પક્ષ જનતા દળ-સેક્યુલર (JD-S) છે.
11. કેરળના રાજકીય પક્ષોમાં (JD-S), કેરળ કોંગ્રેસ (M) જેનું પ્રતીક બે પાંદડા છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) નું પ્રતીક સીડી છે. રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP) નું ચિહ્ન એક કોદાળી અને પાવડો છે. જ્યારે ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(CPI)નું પ્રતીક વાળ અને સિકલ છે.
12. મહારાષ્ટ્રમાં કુલ ચાર રાજ્યો પક્ષો છે. જેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેનો સિમ્બોલ રેલવે એન્જિન છે. તેમજ શિંદે જૂથની શિવસેના પાર્ટીનું પ્રતીક તીર-કમાન તો ઉદ્ધવ જૂથ શિવસેનાનું પ્રતીક મશાળ છે. આ સાથે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)નું પ્રતીક ઘડિયાળ છે. જ્યારે શરદ જૂથના NCP પક્ષનું શરણાઈ વગાડતો પુરુષ છે.
13. મણિપુરમાં ચૂંટણીમાં ત્રણ રાજકીય પક્ષો છે. જેમાં નાગા પીપ્લસ ફ્રન્ટ પાર્ટી (NPF) છે જેનો સિમ્બોલ મરઘો છે. જ્યારે અન્ય બે પાર્ટી JD-S અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) છે.
14. મેઘાલયમાં, ચૂંટણી પંચના ડેટા અનુસાર હાલમાં પાંચ રાજકીય પક્ષો મેદાનમાં છે. જેમાં યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી જેનું પ્રતીક ડ્રમ છે. હિલ સ્ટેટ પીપ્લસ ડેમોક્રેટિક પાર્ટી જેનું પ્રતીક સિંહ છે. પીપ્લસ ડેમોક્રેટિક ફ્રન્ટનું મીણબત્તી ચૂંટણી ચિહ્ન છે. વોઈસ ઑફ ધ પીપ્લસ પાર્ટી (VPP)નું ચિહ્ન સૂપડું છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસનું પ્રતીક ફૂલો અને ઘાસ છે.
15. મિઝોરમમાં મિઝો નેશનલ પાર્ટીનું ચિહ્ન સિંહ છે. ઝોરમ નેશનલિસ્ટ પાર્ટીનું ચિહ્ન સૂર્ય છે. જ્યારે ઝોરમ પીપલ્સ મૂવમેન્ટનું પ્રતીક ટોપી છે.
16. નાગાલેન્ડમાં રાજકીય સ્તરે પાંચ પક્ષો છે. જેમાં નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF), નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP), લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), NCP અને શરદ જૂથની NCP સામેલ છે. તેના ચૂંટણી પ્રતીકો અનુક્રમે મરઘી, ગ્લોબ, હેલિકોપ્ટર, ઘડિયાળ અને શરણાઈ વગાડતો પુરુષ છે.
17. ઓડિશામાં એક જ રાજકીય પક્ષ છે, જેનું નામ બીજૂ જનતા દળ છે જેનો સિમ્બોલ શંખ છે.
18. પુડુચેરીમાં અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)નું પ્રતીક બે પાંદડા છે. ઑલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસનું પ્રતીક જગ છે. જ્યારે દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)નું પ્રતીક ઉગતો સૂર્ય છે.
19. પંજાબનો રાજકીય પક્ષ શિરોમણી અકાળી દળ છે જેનો ચૂંટણી ચિહ્ન ત્રાજવું છે.
20. રાજસ્થાનમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક પક્ષ છે જેનું પ્રતીક બોટલ છે.
21. સિક્કિમાં બે રાજકીય પક્ષો ચૂંટણી પંચમાં નોંધાયેલા છે. એક, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ છે, જેનું પ્રતીક છત્રી છે. બીજું, સિક્કિમ કાંતિકારી મોરચાનું પ્રતીક છે, ટેબલ અને લેમ્પ છે.
22. તમિલનાડુમાં AIADMK, DMK, દેસીયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK) અને CPI છે. જેમાં DMDKનો સિમ્બોલ નગાડો છે.
23. તેલંગાણામાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM), ભારતીય રાષ્ટ્રીય સમિતિ (BRS), તેલુગુ દેશમ અને YSR છે. જેમાં AIMIM પતંગ અને BRSનું પ્રતીક કાર છે.
24. ત્રિપુરામાં ત્રણ રાજકીય દળોમાં ઇન્ડિજિનિયલ પીપલ્સ ફ્રન્ટ ઑફ ત્રિપુરા (IPFT), ટિપટા મોથા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસનો સમાવેશ થાય છે.
25. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને અપના દળ હાલમાં રાજકીય પક્ષ છે.
26. પશ્ચિમ બંગાળમાં ઑલ ઇન્ડિયા ફૉરવર્ડ બ્લોક અને તૃણમૂલ કોંગ્રેસ છે.
આ પણ વાંચો: જાણો આ ચૂંટણીમાં કોણ કોણ કરી શકશે પોસ્ટલ બેલેટથી મતદાન?