અમદાવાદ, 21 ડિસેમ્બર 2023, ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા બાદ સરકાર અને આરોગ્ય તંત્ર એક્શનમાં આવી ગયું હતું. ત્યાર બાદ બે મહિલાઓ જે દક્ષિણ ભારતમાં ફરવા માટે ગઈ હતી. તેમનો રીપોર્ટ પોઝિટિવ આવતાં તેમની સારવાર ચાલુ કરી દેવાઈ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ગુજરાતમાં કોરોનાના 13 કેસ એક્ટિવ હોવાનું ગઈકાલે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું. ત્યારે હવે અમદાવાદમાં ગઈકાલે સાત કેસ નોંધાયા હતાં ત્યારે આજે વધુ 6 કેસ નોંધાયા છે. શહેરના નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાં કેસ નોંધાતા શહેરનું આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. અમદાવાદમાં આજે ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ સંક્રમિત થયા છે. આથી એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી છે.
ગુજરાતમાં ગઇકાલ સુધીમાં 13 જેટલા એક્ટિવ કેસ હતા
ગુજરાતમાં ગઇકાલ સુધીમાં 13 જેટલા એક્ટિવ કેસ હતા જેમાં અમદાવાદમાં સાત કેસ નોંધાયા હતા. શહેરના જોધપુર, પાલડી અને ઘાટલોડિયામાં કેસ નોંધાયા હતા. આ સાત લોકોમાં 4 મહિલા અને 3 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તમામનાં સેમ્પલ જિનોમ સિક્વસિંગ માટે મોકલવામાં આવ્યાં હતા. જ્યારે આ સાત દર્દીમાંથી 5 દર્દી વિદેશપ્રવાસથી પરત ફર્યા હતા જ્યારે બે દર્દી અમદાવાદના જ છે. આ પાંચ દર્દી ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને યુકેથી પરત ફર્યા હતા. 15 વર્ષના કિશોરથી લઈને 70 વર્ષના વૃદ્ધ સુધીના લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 7 કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 6 કેસ નોંધાયા છે.વડોદરામાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 અને ગ્રામ્યમાં 1 કેસ પોઝિટિવ આવ્યા છે.
ઓક્ટોબરમાં 20 કેસ નોંધાયા હતા
ઋષિકેશ પટેલે ગઈકાલે જણાવ્યું હતું કે, કોરોનાના નવા વેરિયન્ટના દુનિયાની અંદર જે કેસો જોવા મળે છે એની સરખામણીએ ભારતમાં 2300 જેટલા કેસ છે. ગુજરાતમાં આજે કોરોનાનો એક કેસ અને અગાઉના 12 એટલે 13 કેસ છે. હકીકતમાં ઓક્ટોબર મહિનાની અંદર પણ 20 કેસ નોંધાયેલા છે. આમ, છેલ્લા છ મહિનાની એવરેજ જોઈએ તો એક અઠવાડિયામાં 4-5-7 કેસ આવતા હતા. આજસુધીમાં વેરિયન્ટ માઇલ્ડ છે, જેનાથી કોઈનું મૃત્યુ થયું નથી. વાઇબ્રન્ટ ગુજરાતમાં આની કોઈ અસર થવાની નથી. મનસુખભાઈએ ખાલી સાવચેતી રાખવાનું કહ્યું હતું. આ વેરિયન્ટ ખૂબ જ માઇલ્ડ છે. ખૂબ સરસ રીતે સાવધાની રાખવાની જરૂર છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ધ્યાન રખાશે
ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેરળમાં પણ 2000 જેટલા કેસ છે, જેમાં મોટા ભાગના દર્દીઓ ઘરે જ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં ફોરેનથી આવતા ડેલિગેટ્સ છે, જેઓ અહીં ભાગ લેવા આવવાના છે, તેમનામાં આ પ્રકારનાં લક્ષણો દેખાશે તો તેમને પણ કહેવામાં આવશે કે ટેસ્ટ કરાવી લો. કોરોનામાં જેવાં લક્ષણો હતાં એવાં માઇલ્ડ લક્ષણો છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય રીતે શરદી, તાવ, ઉધરસ વગેરેના કેસોમાં વધારો જોવા મળે છે, જેથી અગમચેતીના ભાગરૂપે હાલ કોવિડ-19ના કેસો ન વધે એની તકેદારી રાખવા તંત્રને સૂચના આપી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ-સુરતમાં કોરોના કેસ વધતા તંત્ર તૈયાર, હોસ્પિટલોમાં એલર્ટ