અમેરિકામાં માર્ગ અકસ્માત, ભારતીય મૂળના એક જ પરિવારના 6 સભ્યોનાં મૃત્યુ
ટેક્સાસ (US), 28 ડિસેમ્બર: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં એક કાર અકસ્માતમાં બે બાળકો સહિત છ ભારતીય મૂળના પરિવારના સભ્યોના મૃત્યુ થયા છે. અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી હતી. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક સેફ્ટી (DPS) અનુસાર, મંગળવારે સાંજે જોન્સન કાઉન્ટીમાં ફોર્ટ વર્થ નજીક એક મિનિવાન અને એક પીકઅપ ટ્રક સામસામે અથડાયા ત્યારે અકસ્માત સર્જાયો હતો. મિનિવાનમાં એક જ પરિવારના સાત લોકો મુસાફરી કરી રહ્યા હતા અને તેમાંથી માત્ર 43 વર્ષીય લોકેશ પોટાબથુલાને ગંભીર ઈજા પહોંચી હતી. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
મૃતકો આંધ્રપ્રદેશના ધારાસભ્યના સંબંધી
માર્યા ગયેલા તમામ લોકો આંધ્રપ્રદેશના ધારાસભ્યના સંબંધી હતા. ધારાસભ્યનું નામ પી વેંકટ સતીશ કુમાર છે, જે આંધ્રપ્રદેશના મુમ્મીદીવરમ વિધાનસભા વિસ્તારના પ્રતિનિધિ છે. આ અકસ્માતમાં માત્ર એક જ 43 વર્ષીય લોકેશ પોટાબથુલા બચી ગયો હતો, જેને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા સભ્યોના નામમાં પી નાગેશ્વર રાવ, સીતા મહાલક્ષ્મી, નવીના, ક્રુતિક, નિશિતા અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર, અકસ્માત સર્જનાર ટ્રકમાં બે લોકો મુસાફરી કરી રહ્યા હતા અને તેઓ ઘાયલ પણ થયા છે. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. ધારાસભ્ય પી વેંકટ સતીશ કુમારના જણાવ્યા અનુસાર, તેલુગુ એસોસિએશન ઑફ નોર્થ અમેરિકા (TANA) તમામ મૃતદેહોને ભારત પરત મોકલવામાં મદદ કરી રહ્યું છે.
આ પણ વાંચો: BRTS બસ અકસ્માત બાદ સુરત મનપા તંત્ર જાગ્યુ, લીધો મોટો નિર્ણય