ગુજરાત

ગોઝારો રવિવારઃ મોરબીના ભરતનગર નજીક અકસ્માતમાં 6નાં મોત

Text To Speech

મોરબીના એક પરિવાર માટે આજનો રવિવાર ગોઝારો સાબિત થયો હતો. કટારિયાથી દર્શન કરીને પરત આવતી વખતે એક પરિવારને અકસ્માત નડ્યો હતો. કાર અને મીની બસ વચ્ચે થયેલા આ અકસ્માત 13 લોકોને નડ્યો હતો. જેમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતા. મોરબી નજીક સર્વોદય હોટેલની બાજુમાં અકસ્માત થતા મોરબીના રઘુવંશી સમાજના એકજ પરિવારના 6 સભ્યોનાં ઘટનાસ્થળે મૃત્યુ નિપજયા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા અને ક્રિભકોના ડિરેક્ટર મગનભાઇ વડાવીયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

મૃતકોનું તાત્કાલિક પોસ્ટમોર્ટમ થાય અને ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર મળે તે માટે મોરબી સિવીલ હોસ્પિટલના આર.એમ.ઓ સાથે જરૂરી પરામર્શમાં રહી જરૂરી સુચના આપી હતી અને સમગ્ર ઘટનાની જાણ માન. મુખ્યમંત્રીના ધ્યાને મૂકી હતી.

ગુજરાતમાં આજનો રવિવાર ગોઝારો સાબિત થયો
રાજ્યમાં વિવિધ સ્થળોએ અકસ્માતો સર્જાયા હતા. કોઈ સ્થળે ડ્રાઈવરને ઝોકું આવી જવાથી તો કોઈ સ્થળે બેદરકારીથી ડ્રાઈવિંગના કારણે અકસ્માત થયા હતા અને અનેક લોકો મોતને ભેટ્યા હતા. રાજ્યમાં બનેલી અકસ્માતોની ઘટનાઓ પર નજરઃ
1. બોડેલી તાલુકાના લોઢાણ ગામે નજીક એક કાર ઝાડ સાથે અથડાઈ હતી કાર ચાલકે સ્ટિયરીંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો અને તેમાં પિતા-પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું.

2. અમદાવાદ-ઈંદોર હાઈવેના ગોધરા નજીક નંદાપુરા પાસે અકસ્માતમાં 3 લોકોનાં મોત થયા. એક સ્વીફ્ટ કારના ચાલકે ઝોકું આવી જતા કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પસાર થતા ટ્રેલર સાથે અથડાઈ હતી.

3. ઉજ્જૈનથી દર્શન કરીને પરત ફરી રહેલી કારને અકસ્માત થયો હતો. જેમાં બે યુવકોનાં મોત થયા હતા. બંને મૃતકોમાંથી એક ખંભાતના ઉન્ડેલ ગામનો અને એક સુરતનો રહેવાી હતો. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

4. જામનગર – દ્વારકા નેશનલ હાઇવે પર એક હિટ એન્ડ રનની ઘટના બની જેમાં ખંભાળિયા પાસે આવેલ ઓવરબ્રિજ પર બેફામ ચાલતી બોલેરો કાર એ બાઈક સવારને લીધો હડફેટે લીધો હતો. જેના કારણે બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. બાઈકસવારને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે આ અકસ્માત સર્જનાર કારચાલક કાર મૂકીને ફરાર થયો હતો.

મુખ્યમંત્રીએ આર્થિક સહાય જાહેર કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી -માળીયા હાઈવે પર અમરનગર પાસે રવિવારે થયેલા માર્ગ અકસ્માતને અત્યંત દુઃખદ ઘટના ગણાવી આ અકસ્માતમાં મૃત્યુ પામનારા અને ઘાયલ થનારા નાગરિકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.

મુખ્યમંત્રીએ આ અકસ્માતમાં મૃત્યુ પામેલા કમનસીબ 6 વ્યક્તિઓને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી મૃતક દીઠ ૪ લાખ અને આ અકસ્માતના ઇજાગ્રસ્ત વ્યક્તિઓને રૂપિયા ૫૦ હજારની સહાય રાજ્ય સરકાર તરફથી આપવાની જાહેરાત કરી છે.

Back to top button