ગુજરાતટોપ ન્યૂઝ

વડોદરાના હરણી તળાવના બ્યુટીફિકેશન પાછળ 6.50 કરોડનો ખર્ચ, છતાં હાલત જૈસે થે!

Text To Speech

વડોદરાઃ શહેરના હરણી તળાવમાં રૂપિયા 6.50 કરોડના ખર્ચે થયેલા બ્યુટીફીકેશન બાદ પણ ગંદકી અને રખડતાં પશુઓનો ત્રાસ જોવા મળતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નારાજગી સાથે તંત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા જે તળાવોના બ્યુટીફિકેશન પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. તે તળાવોની દેખભાળ રાખવામાં ન આવતા તળાવો પાછળ કરવામાં આવેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા છે.

તળાવની ચારેકોર ગંદકીના સામ્રાજ્ય

વડોદરા કોર્પોરેશન દ્વારા બ્યુટીફીકેશન હેઠળ શહેરના હરણી, કમલાનગર, સિધ્ધનાથ, જાણી, સરસિયા, સમા સહિત તળાવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે પૈકી ઘણા તળાવો બ્યુટીફીકેશન બાદ મૃતઃપ્રાય હાલતમાં નજરે ચઢી રહ્યા છે. તો ઘણા તળાવોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાવવાની સાથે રખડતા પશુઓ નજરે ચડે છે. કરોડો રૂપિયાના ખર્ચા પછી પણ તળાવની પરિસ્થિતિ દયનીય બનતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નારાજગી સાથે તંત્ર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે.

સોમવારે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષી નેતા અમીબેન રાવત, પૂર્વ કાઉન્સિલર અનિલ પરમાર સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હરણી તળાવની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તળાવના પ્રવેશ દ્વારે સ્વચ્છતાના તોતિંગ હોર્ડિંગ્સ પાછળ તળાવની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. તળાવમાં રખડતા પશુઓ પણ જોવા મળ્યા હતા.

શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને વિપક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા શહેરના તળાવોના બ્યુટીફિકેશનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં પણ આવ્યું હતું. પરંતુ તળાવોના બ્યુટીફિકેશન બાદ દેખભાળ રાખવામાં ન આવતા તળાવો પાછળ કરવામાં આવેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા છે. હરણી તળાવની વાત કરવામાં આવે તો આ તળાવ પાછળ રૂપિયા 6.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ, આ તળાવની હાલત જોતાં સ્પષ્ટ લાગે છે કે આ તળાવ પાછળ કરવામાં આવેલ ખર્ચ પાણીમાં ગયો છે. પરિણામે સુવિધા સુરક્ષા પાછળના ખર્ચા સામે સવાલો ઊભા થતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે.

Back to top button