પ્રમુખસ્વામી નગરમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, એન્જિનિયર, MBA,આર્કિટેક્ટ સહિતના 58 પાર્ષદોએ દીક્ષા ગ્રહણ કરી
આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સવારે 9 વાગ્યે ભાગવતી દીક્ષા સમારોહનો માંગલિક અવસર યોજાયો હતો. 58 નવયુવાનોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે સંતદીક્ષા ગ્રહણ કરી હતી.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અમદાવાદમાં પ્રમુખસ્વામી નગરમાં કુલ 58 નવયુવાનોએ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે ભાગવતી દીક્ષા (સંત દીક્ષા) પ્રાપ્ત કરી છે. દીક્ષા ગ્રહણ કરનાર વ્યક્તિઓમાં 6 પોસ્ટગ્રેજ્યુએટ , 46 બેચલર જેમાં 26 એન્જિનિયર, 1 આર્કિટેક્ટ, 2 MBA સહિત કુલ 58 પાર્ષદોએ ભાગવતી દીક્ષા લીધી છે. તેમાં અમેરિકાના 5, મુંબઈના 7, ગુજરાતના 46 પાર્ષદોનો સમાવેશ થાય છે.
BAPSના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજાવિધિમાં સંતોના કંઠેથી ઉચ્ચારતી મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી. મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદ્બોધનો કર્યાં હતાં. દીક્ષા સમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી અને સૌ નવદિક્ષિત સંતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી.
મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોના પ્રાસંગિક ઉદ્બોધનો
BAPS ના વરિષ્ઠ સંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીએ જણાવ્યું હતુ કે, ”સાધુ પરંપરામાં આજે અનેક લોકોએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની આંખોમાં નિર્મળતા, નિશ્ચલતા, નિઃસ્પૃહતા અનુભવી છે. ૨૦૦૧ની સાલમાં અબ્દુલ કલામ સાહેબ મળ્યા હતા ત્યારે ખૂબ જ અભિભૂત થયા હતા અને તેમના પુસ્તક ટ્રાન્સેન્ડન્સમાં કહ્યું છે કે, ‘પ્રમુખસ્વામીમાંથી દિવ્યતાનો સાગર વહેતો હતો.’ અનેક યુવકો આજે પ્રમુખસ્વામી મહારાજ તેમજ મહંતસ્વામી મહારાજની દિવ્યતા અને ગુણોથી આકર્ષાઈને ત્યાગશ્રમમાં જોડાવા તૈયાર થઈ જાય છે કારણકે તેમના સાંનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે જીવનકાળ દરમ્યાન 1000 જેટલા યુવકોને દીક્ષા આપી, જેમાં જેમાં 10 ડોક્ટર, 12 MBA, 70 માસ્ટર ડિગ્રી, 200 એન્જિનિયર અને કુલ સંતોમાંથી 70% થી વધુ સંતો ગ્રેજ્યુએટ છે. આજે 55 સંતો ઇંગ્લેન્ડના નાગરિક છે અને 70 સંતો અમેરિકાના નાગરિક છે.”
પુજ્ય મહંત સ્વામીએ આપ્યા આશીર્વાદ
દીક્ષાવિધિ બાદ સૌ પર કૃપાવર્ષા કરતાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવતા કહ્યુ કે, આ બધા દીક્ષાર્થી સાધુઓને ધન્યવાદ આપવામાં આવે છે કારણકે જગતથી તૂટીને ભગવાનમાં જોડાવું તે મોટી વાત છે, પરંતુ તમે તે કરી બતાવ્યું છે. આપના માતાપિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે કારણકે તેઓએ તેમનું હૃદય આપ્યું છે આજે. આપ સૌ શૂરવીર છો.
આ પણ વાંચોઃ જોશીમઠ : આજથી અસુરક્ષિત ઈમારતોને તોડવાની કામગીરી શરુ, તો બીજી તરફ લોકો ઘર છોડવા તૈયાર નથી