અમદાવાદગુજરાત

અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં 55 હજાર વિદ્યાર્થીઓએ મ્યુનિસિપલ શાળામાં પ્રવેશ મેળવ્યો

અમદાવાદ, 8 એપ્રિલ 2024, ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં અંગ્રેજી શિક્ષણ મેળવવા માટે પોતાના બાળકને મુકવામાં આવતું હતું. જેના કારણે સરકારી શાળાઓને તાળા વાગે એવી સ્થિતિ થઈ ગઈ હતી. મ્યુનિસિપલ સ્કૂલોમાં પોતાના બાળકો ભણે તો જાણે કોઈ સ્ટેટસ પર ડાઘ લાગી જવાનો ડર લાગતો હતો. પરંતુ હવે ખાનગી સ્કૂલોની તોતિંગ ફીને કારણે મધ્યમવર્ગના લોકો પોતાના બાળકોને મ્યુનિસિપાલિટીની સ્કૂલમાં દાખલ કરાવવા માટે દોડાદોડ કરી રહ્યાં છે. છેલ્લા એક દાયકામાં 55 હજાર વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

મોંઘવારી અને તોતિંગ ફીના કારણે વાલીઓનો રિવર્સ ગિયર
વધી રહેલી મોંઘવારી અને ઓછી આવકને કારણે મધ્યમવર્ગને તેમના બાળકોને હવે ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરાવવો પરવડે તેમ નથી. કારણ કે ખાનગી સ્કૂલોમાં તોતિંગ ફીના કારણે વાલીઓની કમર તૂટી ગઈ છે. જેથી હવે વાલીઓ મ્યુનિસિપલ સ્કૂલોમાં તેમના બાળકોનો પ્રવેશ કરાવી રહ્યાં છે. આગામી જૂન 2024થી મ્યુનિસિપલ સ્કૂલોમાં બાલવાટિકા અને ધો.1માં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા માટે વાલીઓ ભારે આતુર બન્યાં છે. બાલવાટિકામાં પ્રવેશ મેળવવા પાત્ર બાળકોની સંખ્યા 9231 છે. આ પૈકીના 4683 છોકરાઓ અને 4548 છોકરીઓ છે. અંગ્રેજી મીડિયમમાં પ્રેવશ મેળવવા માટે 750 બાળકો નોંધાયા છે. જ્યારે હિન્દી માટે 1040 અને ઉર્દુ માટે 926 બાળકોની નોંધણી થયેલી છે. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સરવે પ્રમાણે બાલવાટિકા અને ધો,1માં પ્રવેશ પાત્ર બાળકોની સંખ્યા 29 હજારથી વધુ થઈ છે.

માળખાકિય સુવિધાઓ પણ સારી રીતે ડેવલપ કરવામાં આવી
હવે પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર બાળકોની સંખ્યા 20130 જેટલી થયેલી છે. જેમાં 9929 છોકરાઓ અને 10201 છોકરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંગ્રેજી મીડિયમમાં 1774, હિન્દીમાં 2935, ઉર્દુમાં 1585 બાળકો નોંધાયા છે. અત્યાર સુધીમાં આ વર્ષે મ્યુનિસિપલ સ્કૂલોમાં પ્રવેશ માટે વાલીઓમાં અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 5500થી વધુ બાળકો પ્રવેશ મેળવવાના છે. હાલ સ્કૂલ બોર્ડની માલિકીની 312 બિલ્ડીંગમાં હાલ 1.66 લાખથી વધુ વિદ્યાર્થી શિક્ષણ લઈ રહ્યાં છે. ઉચ્ચ લાયકાત ધરાવતા 4600થી વધુ શિક્ષકો આ બાળકોને શિક્ષણ આપે છે. હાલ અમદાવાદમાં 81 સ્માર્ટ સ્કૂલો છે. આ ઉપરાંત સ્કૂલ ઓફ એક્સેલેન્સ હેઠળ 217 સ્કૂલો ચાલી રહી છે. આ તમામ સ્કૂલોમાં માળખાકિય સુવિધાઓ પણ સારી રીતે ડેવલપ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં 9.50 લાખ પ્રોપર્ટી કાર્ડ પર હજી રૂ.73 કરોડના મહેસૂલ વેરાની વસૂલાત બાકી

Back to top button