ઉ.ગુ. અને અ’વાદના 55 જુગારીઓએ ગીરમાં શરૂ કર્યો અડ્ડો, LCB એ દરોડો પાડી 2.35 કરોડની મત્તા કબજે કરી


સાસણ, 23 માર્ચ : ગીર સોમનાથ જિલ્લાના સાસણ ગીરમાં એલસીબીની ટીમે એક ફાઈવ સ્ટાર રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. જેમાંથી ઉત્તર ગુજરાત અને અમદાવાદના 55 શખસો જુગાર રમતા રૂ.2.35 કરોડના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. આ શખસો પાસેથી લાખોની રોકડ, કાર અને મોંઘાદાટ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ અરવિંદસિંહ જાડેજા અને સ્ટાફે બાતમીના આધારે સંગોદ્રા – ચિત્રાવડ રોડ ઉપર આવેલ ગીર પ્રીમિયર રિસોર્ટમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ત્યાંથી અલગ અલગ રૂમમાં જુગાર રમતા 55 શખસો ઝડપાયા હતા.
એલસીબીની ટીમે આ તમામ પાસેથી રૂ.28 લાખથી વધુની રોકડ, 15 કાર, 70 જેટલા મોબાઈલ મળી રૂ.2.35 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દરોડા દરમિયાન 4 અંગ્રેજી દારૂની બોટલ પણ મળી આવતા તેના માટે અલગથી ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. આ દરોડામાં ઝડપાયેલા શખસો ઉત્તર ગુજરાત અને અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો :- નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર ફરી એકવાર ભીડ જામી, અફરાતફરીનો માહોલ સર્જાયો