રાજકોટમાં કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 54 બાળકોને PM કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ અન્વયે લાભ અપાયો
રાજકોટ: મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા કોવીડ સંક્રમણ-૧૯ દરમ્યાન જે બાળકોએ માતા તથા પિતા બંન્ને ગુમાવેલ છે તેવા પરીવારના બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડીને તેઓ ઉત્તમ નાગરીક બની શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગવી સુઝથી “પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ” અમલમાં મુકવામાં આવી હતી, જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલી ‘‘પી. એમ. કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ’’ હેઠળ સમાવેશ થયેલા બાળકોને લાભો તથા સર્વિસીસ રીલીઝ કરવાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ તરફથી યોજાયો હતો.
આ યોજના હેઠળ સમાવિષ્ટ બાળકોને ૧૮ વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર દ્વારા માસિક રૂ. ૨૦૦૦ની સહાય તથા ગુજરાત સરકાર દ્વારા ૨૧ વર્ષ સુધી માસિક રૂ. ૪૦૦૦ની સહાય ચુકવવામાં આવી રહી છે તેમજ આ બાળકો ૨૩ વર્ષના થાય ત્યારે રૂ. ૧૦ લાખની સહાય ચૂકવવામાં આવશે. આ બાળકોને આયુષ્માન ભારત યોજના અન્વયે આરોગ્ય વિમો પણ અપાશે. એક્સ ગ્રેસીયા સહાય અન્વયે રૂ.૫૦ હજાર ચૂકવવામાં આવ્યા છે.
આ તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. આ તકે સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા, કલેકટર અરુણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર દ્વારા રાજકોટ જિલ્લાના ૫૪ બાળકોને લાભો એનાયત કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મિત્સુબેન વ્યાસે કર્યું હતું.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલ, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રક્ષાબેન ટોળીયા અને સભ્ય અરુણભાઈ નિર્મલ તથા ભીમજીભાઈ પરસાણા સહિતના પદાધિકારી – અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા