ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભોપાલના જંગલમાં પાર્ક કરેલી કારમાં 52 કિલો સોનું અને 10 કરોડની રોકડ! ITના દરોડામાં પર્દાફાશ

  • બે દિવસથી ઈન્કમટેક્સ વિભાગ અને લોકાયુક્તના સંયુક્ત દરોડા દરમિયાન આ રકમ મળી આવી હતી

ભોપાલ, 20 ડિસેમ્બર: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવકવેરા વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીં ITના દરોડામાં 52 કિલો સોનું અને અંદાજે 10 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી. આ જથ્થો જંગલમાં પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો હતો. આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હાલ આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

 

ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે કડક કાર્યવાહી

મળતી માહિતી મુજબ, ભોપાલ નજીક સ્થિત મેંદોરીના જંગલોમાં એક કાર પર આ દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં સોનું અને રોકડ મળી આવી હતી. ભ્રષ્ટાચાર અને ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે સંદર્ભે આવકવેરા વિભાગની ટીમે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, ઈનોવા કારમાંથી અંદાજે કુલ રૂપિયા 10 કરોડની રોકડ મળી આવી હતી.

 

ભોપાલ અને ઈન્દોરમાં 51 સ્થળો પર દરોડા

આવકવેરા વિભાગની આ કાર્યવાહીમાં 100થી વધુ પોલીસકર્મીઓની ટીમ સામેલ હતી. આ દરોડા લોકાયુક્ત અને આવકવેરા વિભાગની સંયુક્ત કાર્યવાહીનો એક ભાગ હતો જે બે દિવસથી ચાલી રહી હતી. આ પહેલા આવકવેરા વિભાગે ભોપાલ અને ઈન્દોરમાં એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીના 51 સ્થળો પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન આટલી મોટી માત્રામાં સોનું અને રોકડ જોઈને ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, મેંદોરીના જંગલોમાં જપ્ત કરાયેલી કારમાંથી 52 કિલો સોના ઉપરાંત લગભગ 10 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જેને વિભાગે પોતાની કસ્ટડીમાં લઈ લીધા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ કેસમાં કન્સ્ટ્રક્શન કંપની પર ટેક્સ ચોરી અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. વિભાગે આ સંદર્ભે તપાસ તેજ કરી છે અને સંબંધિત દસ્તાવેજો-પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે. આ દરોડા બાદ રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. અધિકારીઓ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આટલી મોટી રોકડ અને સોનું ક્યાંથી આવ્યું અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો.

આ સિવાય લોકાયુક્તે ભોપાલમાં પૂર્વ RTO કોન્સ્ટેબલના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જેમાં 2 કરોડ 85 લાખ રૂપિયા રોકડા અને 60 કિલો ચાંદીની સાથે 50 લાખ રૂપિયાના સોના અને હીરાના ઘરેણાં મળી આવ્યા હતા.

આ પણ જૂઓ: સંભલમાં સપા સાંસદના ઘરે બુલડોઝર એક્શન, જાણો કેમ તોડી નાખ્યાં પગથિયાં

Back to top button