ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મ્યાનમારમાં ઉગ્રવાદી હિંસાને કારણે ભાગી આવેલા 5000 લોકો મિઝોરમમાં ઘૂસ્યા

આઈઝોલ: મ્યાનમારમાં પીપલ્સ ડિફેન્સ ફોર્સે મ્યાનમાર આર્મી પર હુમલો કરતાં 5000 જેટલા નાગરિકો મિઝોરમમાં ઘૂસ્યા છે. વધતા જતાં તણાવના કારણે ઈન્ડો-મ્યાનમાર બોર્ડર પાસે રહેતા લોકોએ સરહદ પાર કરીને મિઝોરમ પ્રવેશ્યા છે. આ હુમલાથી ઘણા મ્યાનમારનાં નાગરિકો ઘાયલ થયાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિઝોરમના ચંફઈ જિલ્લાના ઝોખાવથાર ગામમાં મ્યાનમારના 100થી વધુ પરિવારોએ આશ્રય લીધો છે. યંગ મિઝો એસોસિએશન અને અન્ય સ્થાનિકો ચંફઈમાં શરણાર્થીઓને મદદ કરી રહ્યા છે.

ચંફઈ જિલ્લાના ડેપ્યુટી કમિશનર જેમ્સ લાલરિંચે જણાવ્યું કે, મ્યાનમારની શાસક સેના અને પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF) વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. PDFએ મ્યાનમારના ચિન રાજ્યમાં આવેલા ખાવમવી અને રિખાવદર વિસ્તારના બે સૈન્ય મથકો પર હુમલો કર્યો ત્યારે હિંસા ફાટી નીકળી હતી. જો કે, આ બંને મથકો પર પીડીએફ એ કબજો જમાવી લીધો છે. વધુમાં જણાવ્યું કે, હજારો લોકો મિઝોરમમાં પ્રવેશ્યા છે અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હુમલામાં 20 નાગરિકો ઘાયલ થયા

આઈજીપી લાલબિયાકથાંગા ખિયાંગટે જણાવ્યું કે, રવિવારે હુમલો થયા બાદ મ્યાનમાર સેનાએ મિઝોરમ તરફ આશ્રય લેવાનું શરૂ કર્યું. તેમાંથી 39 લોકોએ ગઈકાલે સાંજે મિઝોરમ પોલીસને આત્મસમર્પણ કર્યું છે. મિઝોરમ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનારા કુલ મ્યાનમાર આર્મીના જવાનોની સંખ્યા 42 છે. અત્યાર સુધી બે ગામોમાં 5000થી વધુ લોકોએ આશરો લીધો છે. જેમાંથી 20 જેટલા નાગરિકોને ઈજા પહોંચી છે તેમાંથી 8ને હાલત ગંભીર હોવાથી આઈઝોલ ખાતે લઈ જવામાં આવ્યા છે. હુમલા દરમિયાન મ્યાનમારના એક નાગરિનું મૃત્યુ થયું છે.

મિઝોરમમાં 30 હજારથી વધુ મ્યાનમારના નાગરિકો

રાજ્યના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યના વિવિધ ભાગોમાં 31,364 નાગરિકો રહે છે. આમાંથી મોટાભાગના લોકો રેફ્યુજી કેમ્પમાં રહે છે. મહત્ત્વનું છે કે, પીપલ્સ ડિફેન્સ ફોર્સ (PDF)એ મ્યાનમારમાં સૈન્ય શાસન વિરુદ્ધ યુદ્ધ છેડ્યું છે. પીડીએફ 1 ફેબ્રુઆરી 2021ના રોજ થયેલા સૈન્ય બળવાના જવાબમાં બનાવવામાં આવી છે. આ સંગઠનનો ઉદ્દેશ્ય મ્યાનમારમાં સૈન્ય બળ સામે લડતી વખતે દેશમાં ફરીથી ચૂંટાયેલી સરકાર દ્વારા લોકશાહી સ્થાપિત કરવાનો છે.

આ પણ વાંચો: હિંસા વચ્ચે મણિપુરમાં વધુ એક મુશ્કેલી, મ્યાનમારના 700 થી વધુ નાગરિકો ઘૂસ્યા

Back to top button