ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

તમિલનાડુમાં ભારે વરસાદઃ 500થી વધુ મુસાફરો ટ્રેનમાં ફસાયા, ભારતીય સેના દ્વારા રેસ્ક્યૂ

ચેન્નઈ (તમિલનાડુ), 19 ડિસેમ્બર: તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે 500થી વધુ મુસાફરોમાં છેલ્લા 24 કલાકથી ટ્રેનમાં અટવાયા છે. ભારતીય વાયુસેના, આર્મી અને અન્ય બચાવ ટુકડીઓ રાહત કાર્ય કરી રહી છે. બીજી તરફ, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

અહીં જુઓ સૈન્ય દ્વારા બચાવ અભિયાનનો વીડિયોઃ

છેલ્લા 24 કલાકથી લગભગ 500 મુસાફરો ફસાયા

છેલ્લા 24 કલાકથી તુતીકોરિન જિલ્લાના શ્રીવૈકુંઠમ રેલવે સ્ટેશન પર લગભગ 500 મુસાફરો ફસાયેલા છે કારણ કે ભારે વરસાદને કારણે સ્ટેશન પર પાણી ભરાઈ ગયું છે અને ટ્રેનના પાટાને નુકસાન થયું છે. ભારતીય વાયુસેનાએ ફસાયેલા રેલવે મુસાફરો માટે રાહત સામગ્રી એરડ્રોપ કરવાનું શરૂ કર્યું છે. આસિવાય મુસાફરોને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માહિતી આપતાં દક્ષિણ રેલવેએ કહ્યું કે રેલવે ફસાયેલા તમામ મુસાફરોને બચાવવા માટે પૂરતા પ્રયાસો કરી રહી છે. વરસાદને કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને દક્ષિણ રેલવેએ પણ ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કર્યો છે.

મુસાફરોને બચાવવાના તમામ પ્રયાસો ચાલુ 

તિરુચેન્દુરથી ચેન્નઈ જતી એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો શ્રીવૈકુંતમમાં ફસાયેલા છે, જે વિસ્તાર પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. એક અધિકારીએ જણાવ્યું કે ફસાયેલા મુસાફરોને બચાવવાના તમામ પ્રયાસો ચાલુ છે અને NDRFની ટીમ પણ એલર્ટ મોડમાં છે. તેમજ ફસાયેલા મુસાફરો સુધી રાહત-સામગ્રી મોકલવામાં આવી રહી છે. રેલવેના એક અધિકારીએ અહીં જણાવ્યું કે, ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે તિરુચેન્દુરથી લગભગ 32 કિમી દૂર શ્રીવૈકુંઠમ રેલવે સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી. દક્ષિણ તમિલનાડુમાં ભારે વરસાદને કારણે ભારતીય સેના દ્વારા રેસ્ક્યૂ કાર્ય ચાલુ છે.

આ પણ વાંચો: તમિલનાડુમાં વરસાદના કારણે જનજીવન ખોરવાયું, કેટલાક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ

Back to top button