ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવીડિયો સ્ટોરી

RG કર હોસ્પિટલના 50 સિનિયર ડોકટરોએ જુનિયર્સના વિરોધને સમર્થન આપવા આપ્યાં રાજીનામાં

  • જુનિયર ડોકટરો છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલ સિન્ડિકેટના વિરોધમાં ભૂખ હડતાળ પર બેઠા છે

કોલકાતા, 8 ઓકટોબર: પશ્ચિમ બંગાળના કોલકાતાની RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 50 સિનિયર ડોક્ટરોએ જુનિયર ડોકટરો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધના સમર્થનમાં આજે મંગળવારે રાજીનામાં આપ્યાં છે. જુનિયર ડોકટરો છેલ્લા પાંચ દિવસથી કથિત રીતે ભ્રષ્ટાચારી અને ધમકાવનારા સિન્ડિકેટના વિરોધમાં ભૂખ હડતાળ પર બેઠા છે, જેથી કેમ્પસમાં લોકશાહી અને દર્દીઓ માટે મૈત્રીપૂર્ણ સિસ્ટમ બની રહે. સોશિયલ મીડિયા પરના વીડિયોમાં 50 સિનિયર ડોકટરોએ તેમના રાજીનામા સબમિટ કર્યા ત્યારે વિદ્યાર્થીઓ તાળીઓ પાડી આ નિર્ણયને આવકાર્યો હતો.

જૂઓ આ વીડિયો 

જુનિયર ડોકટરોની કઈ-કઈ માંગ છે?

જુનિયર ડોકટરોની અન્ય માંગણીઓમાં રાજ્યની તમામ હોસ્પિટલો અને મેડિકલ કોલેજો માટે કેન્દ્રિય રેફરલ સિસ્ટમની સ્થાપના, બેડ વેકેન્સી મોનિટરિંગ સિસ્ટમનો અમલ અને સીસીટીવી, ઓન-કોલ રૂમ તેમજ તેમના કાર્યસ્થળો પર વોશરૂમ માટે આવશ્યક જોગવાઈઓ સુનિશ્ચિત કરવા માટે ટાસ્ક ફોર્સની રચનાનો સમાવેશ થાય છે. તેઓ હોસ્પિટલોમાં પોલીસ સુરક્ષા વધારવા, કાયમી મહિલા પોલીસ કર્મચારીઓની ભરતી અને ડોકટરો, નર્સો તેમજ અન્ય આરોગ્યસંભાળ કાર્યકરોની ખાલી જગ્યાઓ ઝડપથી ભરવાની પણ માંગ કરી રહ્યા છે.

જુનિયર ડોકટરો પર પડેલી આ આરોગ્ય આપત્તિને ઉકેલવા અને બચાવવા માટે પ્રશાસન તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા આ સામૂહિક રાજીનામાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જુનિયર ડોકટરોનું આ આંદોલન કોલકાતામાં દુર્ગા પૂજાના ઉત્સવ દરમિયાન કરવામાં આવી રહ્યું છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે સોમવારે ખાતરી આપી હતી કે, રાજ્યની મેડિકલ કોલેજોમાં ચાલી રહેલા 90 ટકા પ્રોજેક્ટ્સ આવતા મહિના સુધીમાં પૂર્ણ થઈ જશે, વિરોધ કરી રહેલા ડોકટરોને કામ પર પાછા ફરવા વિનંતી કરીએ છીએ.

ટ્રેઇની ડોક્ટરની 9 ઓગસ્તે હત્યા કરવામાં આવી હતી

જુનિયર ડોકટરોએ સાથી ડોક્ટરની હત્યા બાદ પોતાનું કામ બંધ કરીને વિરોધ શરૂ કર્યો હતો. પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેઇની ડોક્ટરની RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ તેના ફરજના કલાકો દરમિયાન હત્યા કરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) – જે આ કેસની તપાસ કરી રહી છે, તેણે કોલકાતા પોલીસમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા સંજય રોય પર આ દુષ્કર્મ અને હત્યાનો આરોપ મૂક્યો છે.

આ પણ જૂઓ: GST કૌભાંડ: રાજ્યમાં 14 ઠેકાણાં પર દરોડા, એક પત્રકાર સહિત અનેક લોકોની થઈ ધરપકડ

Back to top button