સ્ટેચ્યુ ઑફ યુનિટીની ટિકિટમાં 50 ટકા રાહત, જાણો કોને મળશે આ લાભ?
- રાજ્ય અને દેશની શાળા – કૉલેજના વિદ્યાર્થીઓ તથા તેમની સાથે આવનાર સ્ટાફને મળશે લાભ
- દિવ્યાંગ જનો માટે કામ કરતી સંસ્થાઓને અને સ્ટાફને પણ ટિકિટના દરમાં મળશે રાહત
એકતાનગર, 10 માર્ચ, 2024: સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે આ વિશ્વ વિખ્યાત પ્રવાસ કેન્દ્રની વ્યવસ્થા સંભાળતા સત્તામંડળે એક વિશિષ્ટ નિર્ણય લીધો છે.
આગામી વૅકેશનના સમયગાળાને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઑફ યુનિટી સત્તામંડળે ગુજરાત રાજ્ય ઉપરાંત દેશભરના વિદ્યાર્થીઓ તેમજ દિવ્યાંગજનો માટે ટિકિટના દરમાં 50 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે જારી પરિપત્ર અનુસાર (1) તમામ શાળા અને કૉલેજ (સરકારી અને ખાનગી બંને) દ્વારા શૈક્ષણિક પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો, (2) તમામ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ કલ્યાણ સાથે સંકળાયેલી સંસ્થાઓના પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો તથા (3) તમામ સરકારી અને અર્ધસરકારી તાલીમ સંસ્થાઓ / કેન્દ્રોના શૈક્ષણિક તાલીમ પ્રવાસમાં આવતા ગ્રુપના સભ્યો -ને સ્ટેચ્યુ ઑફ યુનિટી તથા વેલી ઑફ ફ્લાવર સોસાયટી દ્વારા સંચાલિત આકર્ષણો વગેરેની મુલાકાત માટે ટિકિટમાં 50 ટકાની રાહત મળશે. આ રાહતનો લાભ જે તે શાળા – કૉલેજ – સંસ્થાના ગ્રુપની સાથે આવતા સ્ટાફના સભ્યોને પણ મળશે.
સત્તામંડળની યાદી અનુસાર આ માટે ઑથોરિટીના બે પ્રોટોકલ અધિકારીઓ પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરોક્ત શ્રેણીમાં આવતી સંસ્થાઓએ ટિકિટના દરમાં 50 ટકા રાહત મેળવવા માટે નિર્ધારિત ફોર્મમાં અરજી કરવાની છે. (જૂઓ અહીં નમૂનો)
નિયત કરેલા ફોર્મમાં અરજી ઉપરાંત મુલાકાત લેનાર વિદ્યાર્થીઓ – સ્ટાફના સભ્યોના નામ આ રીતે ભરીને આપવાના રહેશે તેમ પણ સત્તામંડળની યાદીમાં જણાવવામાં આવ્યું છે.