શિમલામાં મોટી દુર્ઘટના : શિવ મંદિર ભૂસ્ખલનની ઝપેટમાં આવતાં 50 લોકો દટાયા, 9 મૃતદેહો બહાર કઢાયા
- હિમાચલ પ્રદેશના શિમલામાં મોટી દુર્ઘટના
- શિમલામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન
- શિવ મંદિર ભૂસ્ખલનની ઝપેટમાં આવી જતાં 50 લોકો દટાયા
પહાડી રાજ્યોમાં કુદરતી આફતો ચાલુ છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આકાશમાંથી વરસાદ પડી રહ્યો છે. બંને પહાડી રાજ્યોમાં કુદરતી કહેર તૂટ્યો છે. ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે શિમલામાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. ભારે વરસાદને કારણે અહીં ભૂસ્ખલન થયું હતું. આ ભુસ્ખલનની ઝપેટમાં શિવ મંદિરઆવી જતા 50 જેટલા લોકો કાટમાળ નીચે દટાયા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શિમલાના સમરહિલ વિસ્તારમાં આજે ભૂસ્ખલન થયપં હતું. અહીં શિવ મંદિર ભૂસ્ખલનની ચપેટમાં આવી ગયું.આજે શ્રાવણનો સોમવાર હોવાથી શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. તે સમયે શિમલામાં ભૂસ્ખલન થતા શિવમંદિર તેની ઝપેટમાં આવી ગયું હતું., આવી સ્થિતિમાં શ્રાવણ સોમવારે પૂજા કરવા આવેલા લગભગ 50 લોકો કાટમાળ નીચે દટાયા હતા. અત્યાર સુધી 9 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય શ્રદ્ધાળુઓને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક વિગતો મુજબ અત્યાર સુધી 9 મૃતદેહો મળી આવ્યા તો અન્યોને શોધવાની કવાયત શરૂ કરાઇ છે.
ભૂસ્ખલનના કારણે સરકારે શાળા-કોલેજો બંધ કરી દીધી
મહત્વનું છે કે,હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ બંધ છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે શાળા-કોલેજો બંધ કરી દીધી છે. હિમાચલ પ્રદેશ યુનિવર્સિટીએ આજે એટલે કે 14મી ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત પરીક્ષાઓ મુલતવી રાખી છે.
અગાઉ વાદળ ફાટ્યું હતું
ઉલ્લેખનીય છે કે, અગાઉ હિમાચલના સોલનમાં વાદળ ફાટ્યું હતું. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકોને બચાવી લેવાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સોલનના મામલીકના ધાયાવાલા ગામમાં મોડી રાત્રે વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટ્યા બાદ આખું ગામ કાટમાળથી ઢંકાઈ ગયું હતું.
આ પણ વાંચો : ઉત્તરાખંડ: ભૂસ્ખલન થતાં પથ્થર ગાડી પર પડ્યો, 4 અમદાવાદીઓના મોત