ટોપ ન્યૂઝનેશનલ

બોલો! ઉત્તર પ્રદેશના કૌશાંબીમાંથી 50 મીટર ઉંચો મોબાઈલ ટાવર ચોરાયો, જાણો પછી શું થયું

લખનઉ, 2 ડિસેમ્બર 2023: ઉત્તર પ્રદેશમાં અચરજ પમાડે તેવી ઘટના બની છે. રાજ્યના કૌશાંબી જિલ્લામાં એક 50 મીટર ઊંચા મોબાઈલ ટાવરની ચોરી થઈ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ ટાવર લગાવનાર કંપનીએ ઘટના બન્યાના 9 મહિના બાદ ઓનલાઈન ફરિયાદ કરી છે. ચોરીની આ ફરિયાદને લઈને પોલીસ પણ અચંભામાં પડી ગઈ હતી. પોલીસે તાત્કાલિક આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસે તપાસ કર્યા બાદ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

અજાણ્યા ચોરો સામે ઓનલાઈન ફરિયાદ દાખલ કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાં સંદિપન ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજીહિની નામનું ગામ છે. આ ગામમાં રહેતાં ઉબૈદ ઉલ્લા પુત્ર મજીદ ઉલ્લાની જમીન પર એક મોબાઈલ ટાવર કંપનીએ ટાવર ઉભો કર્યો હતો. જ્યાં જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. કંપનીના ટેક્નિશિયન રાજેશ યાદવ ફરજ પર હતાં. તેઓ વારંવાર આ ટાવરની સ્થિતિનું નિરીક્ષણ કરતાં હતાં. કંપનીની ફરિયાદ પ્રમાણે રાજેશ યાદવે 31 માર્ચ 2023ના રોજ સાઈટ પર જઈને જોયું તો આખે આખો ટાવર ગાયબ હતો. આ જોઈને રાજેશ હેરાન થઈ ગયાં હતાં. તેમણે આ મામલે જમીનના માલિક સાથે પુછપરછ કરી હતી. પરંતુ જમીન માલિકે આ બાબતે કોઈ જાણકારી હોવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ કંપનીના એન્જિનિયરે 9 મહિના બાદ અજાણ્યા ચોરો સામે ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી.

તપાસ આગળ વધતાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી
આ ઘટનામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, કંપનીએ કૌશાંબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં એક ડઝનથી વધારે ટાવર ઉભા કર્યા હતાં. જેમાં ચોરો એક આખા ટાવરને ચોરી ગયા હતાં. પોલીસ પણ આ ઘટના જાણીને અચંબિત થઈ ગઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી અને તપાસ શરૂ કરી હતી. તપાસ આગળ વધતાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. પોલીસે ખુલાસો કરતાં કહ્યું હતું કે, ટાવર લગાવનાર કંપનીએ 2010માં જમીન માલિક ઉબેદઉલ્લાહ સાથે 10 વર્ષનો કોન્ટ્રાક્ટ કર્યો હતો અને ત્યાર બાદ ત્યાં ટાવર ઉભો કર્યો હતો. 10 વર્ષ પુરા થવા પર કંપની પહેલાંથી ઓછો ભાવ આપીને તે જ સ્થાન પર ટાવરને લગાવેલો રાખવા માંગતી હતી. પરંતુ જમીન માલિકે કંપનીની શરત નહીં માનતાં ભાડાની રકમ વધારવાની રજૂઆત કરી હતી.

કાર્યવાહી કરવામાં 9 મહિનાનો સમય લાગી ગયો
ત્યાર બાદ કંપનીના કર્મચારીઓએ જાન્યુઆરી 2023માં કાગળો પર ગોટાળા કરીને આખેઆખો ટાવર ત્યાંથી ખોલી નાંખ્યો હતો. ત્યાર બાદ 31 માર્ચની ઘટના જણાવીને પોલીસ સ્ટેશન ગયા વિના જ ઓનલાઈન ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. પોલીસે આ મામલે ટાવરના સ્પેરપાર્ટ્સ ખોલતા સમયે જમીન માલિકને આપવામાં આવેલા કાગળોને લઈને સમગ્ર મામલે કંપની સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ફરિયાદ કરનાર ટેક્નિશિયન રાજેશ યાદવે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટાવર અને સમગ્ર સેટઅપની કિંમત 8.52 લાખ રપિયા અને WDVની કિંમત 4.26 લાખ રૂપિયા છે. રાજેશ યાદવની ફરિયાદ પ્રમાણે તેણે ટાવર ગાયબ થવાની ફરિયાદ કંપનીને કરી હતી. પરંતુ આ મામલે કાર્યવાહી કરવામાં 9 મહિનાનો સમય લાગી ગયો હતો.

કંપનીએ જમીન પરથી આખો ટાવર ઉતારી લીધો
કૌશાંબીના પોલીસ અધિક્ષક વ્રજેશ કુમાર શ્રીવાસ્તવે મીડિયાને જણાવ્યું હતું કે, એક કંપનીએ ટાવર ઉભો કર્યો હતો.કંપની અને જમીનના માલિક વચ્ચે વિવાદ થયો હોવાથી કંપનીએ જાન્યુઆરીમાં જમીન પરથી આખો ટાવર ઉતારીને તેના સ્પેરપાર્ટ્સ ખોલી નાંખ્યા હતાં. ત્યાર બાદ કંપની તરફથી ઓનલાઈન એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં માર્ચ 2023ની ઘટના બતાવવામાં આવી છે. આ ઘટના સંપૂર્ણ રીતે ખોટી છે. આ ઘટનામાં જે લોકો સામેલ છે તેમની ઓળખાણ કરીને તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે લોકોએ ખોટી ફરિયાદ નોંધાવી છે તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ વાયુ પ્રદૂષણથી ભારતમાં દર વર્ષે 20 લાખ લોકોના મૃત્યુઃ શું કહે છે અભ્યાસ?

Back to top button