બંગાળમાં 50 લાખ હિન્દુઓને મત આપવા દેવામાં આવ્યા નહોતાઃ ભાજપ નેતાનો આક્ષેપ
કોલકાતા, 14 જુલાઈ, 2024: એપ્રિલ-મે 2024માં યોજાયેલી લોકસભા ચૂંટણી અને ચાલુ મહિને યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને ધારી સફળતા ન મળતાં પક્ષે હવે મમતા બેનરજીના સત્તાધારી ટીએમસી પક્ષ ઉપર ગંભીર આક્ષેપ કર્યો છે. પશ્ચિમ બંગાળમાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યમાં ચૂંટણી પછીની હિંસા પર મમતા સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભા પેટા ચૂંટણી એમ બંને વખતે ભાજપના હિન્દુ મતદારોને વિવિધ રીતે મત આપતા રોકવામાં આવ્યા છે. નોંધપાત્ર છે કે, પશ્ચિમ બંગાળની 4 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ જીત મેળવી છે, જ્યારે અગાઉ લોકસભા ચૂંટણીમાં પણ ટીએમસીએ 29 બેઠકો જીતી હતી.
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું, ‘બંગાળમાં લોકશાહી મરી ગઈ છે. અમે આજથી જન-આંદોલન શરૂ કર્યું છે. લોકસભા ચૂંટણીમાં લગભગ 50 લાખ હિંદુઓને વિવિધ રીતે મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. ક્યાંક હિંસાના ડરને કારણે તો ક્યાંક મતદાર યાદીમાંથી નામો ગાયબ થઈ જવાથી ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ મતદારો લોકસભા ચૂંટણી દરમિયાન મત આપી શક્યા નહોતા. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં યોજાયેલી 4 બેઠકની પેટાચૂંટણીમાં 2 લાખથી વધુ હિન્દુઓને મતદાન કરવા દેવામાં આવ્યું નહોતું.
સુવેન્દુ અધિકારીએ કહ્યું કે, હું એક પોર્ટલ શરૂ કરી રહ્યો છું. જેઓ વિવિધ કારણસર મતદાન કરી નથી શક્યા તેઓ આ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી શકે છે અને સંપૂર્ણ ગોપનીયતા સુનિશ્ચિત કરવામાં આવશે. હું કાનૂની લડાઈ પણ શરૂ કરીશ, તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં ચૂંટણી પછીની હિંસા અંગે ભાજપના નેતા સુવેન્દુ અધિકારી અને પાર્ટીના કાર્યકરોએ રવિવારે રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારી અને તાપસ રૉય, રુદ્રનીલ ઘોષ સહિત ભાજપના 300 કાર્યકરોએ વિરોધમાં ભાગ લીધો હતો.
કલકત્તા હાઈકોર્ટે ભાજપને 14 જુલાઈના રોજ સવારે 10 વાગ્યાથી ચાર કલાક સુધી રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાને સંબોધતા ભાજપના આ ફાયરબ્રાન્ડ નેતાએ મમતા સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. જોકે અહીં નોંધપાત્ર છે કે રાજભવનની બહાર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી લેવા માટે સુવેન્દુ અધિકારીએ કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો કેમ કે મમતા સરકારની રાજ્ય પોલીસે વિરોધ પ્રદર્શન માટે પણ પરવાનગી આપવા ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચોઃ 46 વર્ષ પછી ખુલ્યો જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર, કરવામાં આવી ખાસ તૈયારીઓ