
ગાંધીનગર, તા.6 માર્ચ, 2025: જળસંચય – જનભાગીદારી અભિયાન અંગે વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા રજૂ કરાયેલા બિન સરકારી સંકલ્પને આવકારતા જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જળસંચયને પ્રોત્સાહન આપવા માટે વિકસિત ગુજરાત-૨૦૪૭ સુધીમાં રાજ્યના ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાનો અમારો લક્ષ્યાંક છે.
આ સંદર્ભે તેમણે ઉમેર્યું હતું કે, સૂક્ષ્મ સિંચાઈ થકી પાણીનો કરકસરયુક્ત ઉપયોગ થશે અને જળસંચયના લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવામાં વેગ મળશે. ગુજરાતના મહત્તમ ખેડૂતો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા સૂક્ષ્મ સિંચાઈ માટે ૭૦ ટકાથી ૯૦ ટકા સુધીની સબસીડી આપવામાં આવે છે. પરિણામે ખેડૂતો ફૂવારા અને ટપક જેવી સિંચાઈ પદ્ધતિઓ બહોળા પ્રમાણમાં અપનાવવા લાગ્યા છે.
વધુમાં જળસંપત્તિ મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતની ભૌગૌલિક અસમાનતાને પહોંચી વળવા ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાનન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીના પ્રશ્નને ટોચની અગ્રતા આપીને અનેક યોજનાઓ થકી રાજ્યના ખૂણે-ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડ્યું છે.
ગુજરાતના કૃષિ વિકાસ, ઔદ્યોગિક વિકાસ અને ડેરી ઉદ્યોગ સહિતના ક્ષેત્રોનો વિકાસ સર્વત્ર પાણીની ઉપલબ્ધી થકી શક્ય બન્યો છે. ગુજરાતની પ્રજાએ વરસાદી પાણીના સંગ્રહ અને ઉપયોગથી ‘જળ એ જ જીવન’ના સૂત્રને સાચા અર્થમાં ચરીતાર્થ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, ભૂગર્ભ જળની ઉપલબ્ધી પણ સમગ્ર રાજ્યમાં એક સમાન નથી. વર્ષ ૨૦૨૪ની ભૂગર્ભ જળ અંદાજ ગણતરી મુજબ ગુજરાતના ૨૨ તાલુકા ઓવર-એક્સ્પ્લોઈટેડ, ૧૦ તાલુકા ક્રિટીકલ અને ૨૪ તાલુકા સેમી-ક્રિટીકલ મળીને કુલ ૫૬ તાલુકામાં ભૂગર્ભ જળ લેવલ નીચા જઇ રહ્યા છે તેમજ ભૂગર્ભ જળ આવરો પણ ઘટી રહ્યો છે. ભૂગર્ભ જળ લેવલ નીચા જવાની આ વિપરીત અસરો સામે ટકી રહેવા માટે જન ભાગીદારી થકી જળસંચય અતિ આવશ્યક છે. ભારત સરકારે આ બાબતને અગ્રતા આપીને, ભૂગર્ભ જળમાં વધારો થાય તે માટે અટલ ભૂજલ યોજના અમલમાં મૂકી હતી. આ યોજના દ્વારા ગુજરાતમાં ભૂગર્ભ જળના સ્તર અને ગુણવત્તામાં સુધારો તેમજ જળ વ્યવસ્થાપન વધુ મજબૂત થઈ રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
‘જલ સંચય – જન ભાગીદારી અભિયાન’ દ્વારા ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં જળ સંચય, ભૂગર્ભ જળ રીચાર્જ, જળ સંરક્ષણ માટેના અનેકવિધ કામો હાથ ધરવા માટે અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના તમામ વિસ્તારોમાં જળ સંચય થકી ભાવિ પેઢીને સુરક્ષિત કરતા આ ઉમદાકાર્યમાં સૌ સભ્યો સહિયારા પ્રયત્નો કરશે, તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ Video: શમીએ રોઝા ન રાખતાં મૌલવી થયો લાલઘૂમ, કહી આ વાત