Googleની આ સર્વિસ બંધ થતાં 50 કરોડ યુઝર્સને પડ્યો ફટકો, જાણો શું છે કારણ?
કેલિફોર્નિયા (અમેરિકા), 03 એપ્રિલ: Googleએ તેની ઘણી સેવાઓ બંધ કરી દીધી છે. જેમાં Google Plus, Nexus અને બીજા ઘણા નામ સામેલ છે. હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. કંપનીએ તેના ઓડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Google Podcastને હટાવવાનો નિર્ણય લીધો છે. કંપનીની આ એપને Play Store પરથી 50 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી છે. આ એપ 2 એપ્રિલથી અમેરિકામાં ઉપલબ્ધ નહીં થાય. કંપની આ પગલાં દ્વારા એક મોટો નિર્ણય લઈ રહી છે. બ્રાન્ડ આ પ્લેટફોર્મને બંધ કરીને YouTube Musicને પ્રમોટ કરવા ઇચ્છે છે.
Google નોટિફિકેશન મોકલી રહ્યું છે
કંપનીએ ગયા વર્ષે એક બ્લોગપોસ્ટ દ્વારા આ વિશે માહિતી આપી હતી. અમેરિકા બાદ કંપની અન્ય ભાગોમાં પણ તેને બંધ કરશે. Google Podcasts આ વર્ષના અંત સુધીમાં તમામ દેશોમાં બંધ થઈ જશે. ગૂગલ છેલ્લા કેટલાક દિવસોથી ઇન-એપ નોટિફિકેશન દ્વારા યુઝર્સને આ અંગે માહિતી આપી રહ્યું છે. હવે કંપનીએ એપના હોમ પેજ પર ચેતવણી બતાવવાનું શરૂ કરી દીધું છે. Google યુઝર્સને તેમના ડેટાને YouTube Music અથવા તેમની પસંદગીની કોઈપણ અન્ય પોડકાસ્ટ સેવા સાથે મર્જ કરવા માટે કહી રહ્યું છે. મહત્ત્વનું છે કે, આ એપ્લિકેશન હજી પણ Google Play Store અને Apple App Store પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. જો કે, યુઝર્સ તેનો ઉપયોગ કરી શકશે નહીં.
કંપની યુઝર્સને જુલાઈ 2024 સુધીમાં તેમનો ડેટા માઈગ્રેટ કરવાનો વિકલ્પ આપી રહી છે. યુઝર્સ તેમના ડેટાને કોઈપણ અન્ય પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરી શકે છે. આ વિશે માહિતી આપતાં ગૂગલે કહ્યું હતું કે, ‘વર્ષ 2024માં આગળ વધીને અમે યુટ્યુબ મ્યુઝિક પર પોડકાસ્ટમાં રોકાણ વધારીશું. જેનાથી યુઝર્સ અને પોડકાસ્ટર બંનેને વધુ સારો અનુભવ મળશે.
સબસ્ક્રિપ્શન કેવી રીતે ટ્રાન્સફર કરવું?
યુઝર્સ તેમના સબસ્ક્રિપ્શનને સરળતાથી YouTube Music પર ટ્રાન્સફર કરી શકે છે. આ માટે, તેઓએ પહેલા Google Podcasts એપ ખોલવી પડશે. આ પછી તમારે હોમ ટેપ પર જવું પડશે. અહીં તમને Google Podcasts એપ બંધ થવાની સૂચના મળશે. જ્યાં તમને એક્સપોર્ટ સબસ્ક્રિપ્શનનો વિકલ્પ આપવામાં આવશે. આ પછી તમારે Export to YouTube Music પર ક્લિક કરવાનું રહેશે. હવે તમે YouTube Music વિકલ્પ પર પહોંચી જશો. તમારે તમારું જીમેલ એકાઉન્ટ સિલેક્ટ કરવું પડશે, ત્યારબાદ તમારું સબસ્ક્રિપ્શન એડ થઈ જશે. જો કે, આ પ્રક્રિયામાં થોડો સમય લાગશે.
આ પણ વાંચો: ChatGPT સાથે સ્પર્ધા કરવા માટે Apple અને Google આવી શકે છે એકસાથે