રાજકોટમાં 50 એસોસિએશનના હોદ્દેદારોની ફાયર NOC અને BU માટે સમય આપવા માગ
રાજકોટ, 11 જૂન 2024, શહેરમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ RMC દ્વારા મિલકતો સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સીલને લઈને વેપારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાના આગેવાનોમાં ભારે રોષ પ્રગટ્યો છે. ફાયર NOC અને BU માટે વેપારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સમય માગી રહ્યા છે. આજે જુદાં-જુદાં 50થી વધુ એસોસિએશનના હોદ્દેદારોએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી. જેમાં દુકાનો, શોરૂમ, ઔદ્યોગિક એકમો, શાળાઓને આડેધડ સીલ કરવાની સામે વિરોધ પ્રગટ કર્યો હતો અને ફાયર NOC ઉપરાંત BU પરમિશન મુદ્દે વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવી આ પ્રક્રિયા માટે સમય આપવા માંગ કરવામાં આવી હતી. મ્યુ. કમિશનરે નિયમો અનુસાર શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી.
તો વેપાર-ધંધા અને સ્કૂલો પણ બંધ થઈ જશે
રાજકોટનાં વેપારીઓના જણાવ્યા અનુસાર આજે તમામ વેપારી એસોસિએશનો દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સીલિંગની કાર્યવાહી ચાલી રહી છે તે કરતા પહેલા વેપારીઓને થોડો સમય આપવાની માંગ કરવામાં આવી છે. અમારા માટે પણ પ્રજાની અને સ્ટાફની સેફટી મહત્વની છે અને નિયમો પાળવામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા અમે માંગતા નથી. પરંતુ ફાયર NOCનાં બદલાયેલા નિયમો મુજબના સાધનો વસાવી જરૂરી વ્યવસ્થા કરવા માટે થોડો સમય મળે તે જરૂરી છે.સરકાર અને કોર્પોરેશન દ્વારા જે રીતે તાત્કાલિક ફાયર NOC લેવામાં નહીં આવે તો સીલ મારી દેવામાં આવશે તેવું વલણ અપનાવવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. તો વેપાર-ધંધા અને સ્કૂલો પણ બંધ થઈ જશે.
બે દિવસમાં નાગરિકો માટે જાહેરાત થશે
મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યુ હતું કે, છેલ્લા ત્રણેક દિવસથી ફાયર NOC અને BU પરમિશન માટે સમય આપવાની રજૂઆતો મળી રહી છે. કેટલાક લોકો પાસે ફાયર NOC છે BU નથી, તો કેટલાક લોકોની પાસે BU છે પણ ફાયર NOC નથી. અને અમુક એવા એકમો છે જેની પાસે બન્નેમાંથી કંઈપણ નથી. રાજકોટ સહિત અન્ય શહેરોમાં પણ આ પ્રકારની રજૂઆતો મળી રહી છે, ત્યારે રાજ્ય સરકાર અને અન્ય મહાનગરપાલિકાઓ સાથે સંકલન સાધી આગામી બે દિવસમાં આ માટેની ખાસ એસઓપી બનાવવામાં આવશે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃપૂર્વ ડે.ફાયર ઓફિસર પાસે 79.94 લાખની અપ્રમાણસર મિલકતો, ACBમાં ફરિયાદ