ગિરનારની લીલી પરિક્રમા માટે અમદાવાદથી 50 વધારાની બસ દોડાવવામાં આવશે
- 12 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે
- અમદાવાદથી 15 નવેમ્બર દરમિયાન રોજની 50 વધારાની બસ રહેશે
- ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી 172થી વધુ બસો દોડાવાશે
દેવઊઠી એકાદશીના રોજ એટલે કે 12 નવેમ્બરે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. જેમાં ગિરનારની લીલી પરિક્રમા માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે અમદાવાદથી પણ 12થી 15 નવેમ્બર દરમિયાન રોજની 50 વધારાની બસ દોડાવવામાં આવશે.
રેગ્યુલર 15 બસમાંથી 10 બસ એડવાન્સમાં જ પેક થઈ ગઈ હતી
અમદાવાદથી જૂનાગઢ જઈ રહેલી મોટાભાગની એસટીની બસ હાલમાં એકદમ ભરચક જઈ રહી છે. સોમવારે જ અમદાવાદથી જૂનાગઢ માટે 13 વધારાની બસ દોડાવવામાં આવી હતી. આ 13માંથી 10 બસ હાઉસફૂલ હતી. આ જ રીતે 12 નવેમ્બરના અમદાવાદના કૃષ્ણનગરથી જૂનાગઢ માટે ઉપડતી રેગ્યુલર 15 બસમાંથી 10 બસ એડવાન્સમાં જ પેક થઈ ગઈ હતી.
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી 172થી વધુ બસો દોડાવાશે
અમદાવાદથી એસટીની વધારાની બસ દ્વારા આગામી બે દિવસમાં 6 હજારથી વઘુ લોકો જૂનાગઢ પહોંચે તેવી સંભાવના છે. લીલી પરિક્રમાના શ્રદ્ધાળુઓ માટે જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ માટે 172થી વધુ બસો અને રેલવે વિભાગ દ્વારા ત્રણ વધારાની ટ્રેન યાત્રાળુઓ માટે શરુ કરવામાં આવી છે.