મણિપુરમાં 5 હજાર બંદૂકો અને 6 લાખ ગોળીઓ લૂંટી લેવામાં આવી: મહુઆ મોઈત્રા
નવી દિલ્હી: અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે લોકસભામાં ગુરૂવારના દિવસે પણ વિવાદ થયો હતો. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ પ્રસ્તાવ પર ચર્ચાના ત્રીજા દિવસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ હતુ. મહુઆ મોઇત્રાએ કેન્દ્ર પર સવાલ ઉઠાવતા પૂછ્યુ કે ક્યા રાજ્યમાં 5 પોલીસ સ્ટેશનમાં 5 હજાર બંદૂકો અને 6 લાખ ગોળીઓ લૂંટવામાં આવી? તેમને પ્રશ્ન કર્યો કે, પ્રાકૃતિક આફત સિવાય અંતે ક્યા રાજ્યએ આ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
મહુઆએ સવાલ કર્યો કે ક્યા રાજ્યમાં એવુ થયુ કે બે વિસ્તાર વચ્ચે બફર ઝોન બનાવવુ પડ્યું હોય. પહાડના લોકો ઘાટી પર અને ઘાટીના લોકો પહાડ પર ના જઇ શકતા હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે. આ બધુ મણિપુરમાં થયુ છે અને આ ડબલ એન્જિનની સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે.
મહુઆ મોઇત્રાએ સમાજમાં ફેલાઇ રહેલી ધાર્મિક મતભેદ પર કહ્યું કે શાકભાજી હિન્દૂ થઇ ગઇ અને બકરો મુસલમાન બની ગયો છે. આ રીતનો માહોલ બનાવી દેવામાં આવ્યો છે. એક સમાજ બીજા સમાજ વિરૂદ્ધ ગુનો કરી રહ્યો છે અને પીડિતને ન્યાય પણ મળી શકતો નથી.
લોકસભાના સદનમાં મોદી સરકારને ઘેરતા મહુઆ મોઇત્રાએ અવિશ્વાસ પ્રસ્તાવ પર કહ્યું, ‘અમને ખબર છે કે અમારી પાસે આંકડા નથી. બીજેડી સહિત કેટલાક પક્ષોએ અમારો સાથ છોડી દીધો છે પરંતુ અમે INDIA બનીને એટલા માટે નથી આવ્યા કે અમારે સરકાર પાડવી છે પણ અમે એટલા માટે આવ્યા છીએ, કારણ કે અમે કઇક ઉભુ કરવા માંગીએ છીએ. આ અવિશ્વાસ પ્રસ્તાવ કઇ પાડવા માટે નથી પણ કઇક ઉઠાવવા માટે લાવવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ INDIAમાં વિશ્વાસ માટે લાવવામાં આવ્યો છે.
બંગાળ-રાજસ્થાનની ઘટનાઓ અલગ
તૃણમૂલ કોંગ્રેસના સાંસદે કહ્યું, ‘મણિપુરના મુદ્દા પર સરકાર ચુપ છે, તેને કાઉન્ટર કરવા માટે ઝેરી નિવેદન આપવામાં આવી રહ્યા છે કે રાજસ્થાન, બંગાળ અને છત્તીસગઢમાં દુષ્કર્મની ઘટનાઓ પર ચર્ચા કેમ નથી થઇ. હું કહેવા માંગુ છું કે આ રાજ્યની ઘટનાઓ અલગ છે.’ મહુઆ મોઇત્રાએ કહ્યું કે અમને લાગ્યુ કે પીએમ મોદી આ બધુ સાંભળવા માટે અહીં આવશે પણ ના આવ્યા. તે તમારી વાતો થોડી સાંભળશે. તે તો માત્ર અંતિમ દિવસે આવશે અને બધાના ધજાગરા ઉડાવીને જતા રહેશે.
આ પણ વાંચો- મોનેટરી પોલિસીની બેઠકમાં RBIનો મહત્વપૂર્ણ નિર્ણય; વ્યાજ દર 6.50% યથાવત