19 મે, અમદાવાદ: ગઈકાલે બેંગલુરુ અને ચેન્નાઈ વચ્ચેની આ વર્ષની IPLની સહુથી મહત્વની મેચ રમાઈ હતી. ચેન્નાઈ માટે મેચ જીતવી જરૂરી ન હતી ફક્ત બેંગલુરુથી 18 કે તેનાથી વધુ રનથી હારવાનું ન હતું. પરંતુ એ શક્ય ન બન્યું અને ચેન્નાઈ જરૂર કરતાં વધુ માર્જીનથી હારી ગયું. પરંતુ એવા ખાસ 5 કારણો છે જેને કારણે CSK RCB સામે હારી ગયું હતું. તો ચાલો જાણીએ એ પાંચ કારણો.
કારણ 1 – ટોસ જીતીને પહેલી બેટિંગ લેવી: એ સ્વાભાવિક હતું કે જ્યારે પણ મેચમાં વરસાદ પડવાની આગાહી હોય ત્યારે ડકવર્થ લુઇસનો નિયમ જે બીજી બેટિંગ કરવાવાળી ટીમને વધુ લાભ આપતી હોય છે તેને ધ્યાનમાં રાખીને ટીમો બીજી બેટિંગ લેતી હોય છે. પરંતુ આ મેચમાં જ્યારે RCBને ચેઝ કરતી વખતે ટાર્ગેટ 20 નહીં પરંતુ 18.1 ઓવર સુધીમાં મેળવવાનો હતો ત્યારે CSKએ જો પહેલી બેટિંગ લીધી હોત તો RCB ઉપર વિશેષ દબાણ રહેત, જ્યારે પહેલી બેટિંગ કરતી વખતે તેણે ફક્ત મોટો સ્કોર જ ઉભો કરવાનો હતો.
કારણ 2 – CSKની ખરાબ બોલિંગ: વરસાદ પડ્યા પછી જ્યારે મેચ શરુ થઇ ત્યારે ઋતુરાજ ગાયકવાડે યોગ્યરીતે જ સ્પિનરોને બોલિંગ આપી હતી કારણકે બોલ ખૂબ સ્પિન થઇ રહ્યો હતો. પરંતુ સ્પિનર્સ સિવાય CSKના બોલરોએ સમગ્ર ઇનિંગમાં ખરાબ બોલિંગ કરીને RCBને સ્કોર કરવામાં મદદ કરી હતી.
કારણ 3 – શિવમ દુબેની ધીમી બેટિંગ: અત્યાર સુધી જે શિવમ દુબે જબરદસ્ત સિક્સર મારીને ટીમને જીતાડતો હતો તે જ શિવમ દુબે T20 World Cupમાં થયેલા પોતાના સિલેક્શન બાદ શાંત થઇ ગયો છે. ગઈકાલની મેચમાં પણ RCBએ તેની નબળાઈ એટલેકે શોર્ટ પીચ બોલ વારંવાર નાખીને તેને રીતસર બાંધી રાખ્યો હતો. શિવમ દુબે એ 15 બોલમાં ફક્ત 7 રન બનાવ્યા હતા જે છેવટે તેની ટીમને જ ભારે પડ્યા હતા.
કારણ 4 – રચીન રવિન્દ્રનું કસમયે રનઆઉટ થવું: રચીન રવિન્દ્ર જે એક માત્ર CSK બેટ્સમેન હતો જે ફાસ્ટ તો રમી જ રહ્યો હતો પરંતુ તેને કારણે RCBના ખેલાડીઓ પણ દબાણમાં આવી ગયા હોય એવું લાગી રહ્યું હતું. જે રીતે રચીન આઉટ થયો ત્યારે સામે છેડે શિવમ દુબે હતો અને તે આપણે ઉપર જાણ્યું તેમ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો, તેણે રચીનને બદલે પોતાની વિકેટની બલી ચડાવી દેવાની જરૂર હતી. તેને બદલે તે દોડી ગયો અને રચીન રવિન્દ્ર આઉટ થઇ ગ યો.
કારણ 5 – મિચેલ સેન્ટનરને વહેલો મોકલવો: આ IPLમાં વારંવાર એક મુદ્દો ચર્ચામાં રહ્યો છે કે ફોર્મમાં હોવા છતાં શા માટે ધોની નીચલા ક્રમે આવે છે? ગઈકાલે પણ એમ જ થયું. જ્યારે ટીમને ફટાફટ રન્સની જરૂર હતી ત્યારે ધોનીને સ્થાને મિચેલ સેન્ટનરને મોકલવામાં આવ્યો જે ફટકાબાજી કરવા માટે બિલકુલ જાણીતો નથી. જો કે સેન્ટનર ફક્ત 4 જ બોલ રમ્યો હતો પરંતુ તેને કારણે ટીમ પરનું દબાણ વધી ગયું હતું. સેન્ટનર બાદ ધોની આવ્યો હતો અને તેણે જે રીતે બેટિંગ કરી એ જોતાં ફરીથી એ પ્રશ્ન ઉભો થયો કે ધોની શા માટે નીચલા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો?
તો આ હતા એ 5 કારણો જેને લીધે CSK RCB સામે હારી ગયું