રાધનપુરમાં મોતિયાના ઓપરેશન બાદ 5 દર્દીઓને અંધાપાની અસર, અમદાવાદ સિવિલમાં ખસેડાયા
પાટણઃ 8 ફેબ્રુઆરી 2024, માંડલમાં થયેલા અંધાપાકાંડ બાદ રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં પાંચ દર્દીઓને મોતિયાના ઓપરેશન બાદ અંધાપાની અસર થતાં વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યાં છે. જેમાં 13 દર્દીના ઓપરેશન બાદ 5 દર્દીની દ્રષ્ટિમાં ગંભીર ખામી સર્જાઈ છે.
અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ સિવિલ ખસેડાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉત્તર ગુજરાતના રાધનપુરની સર્વોદય આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ પાંચ દર્દીઓને અંધાપાની અસર જોવા મળી છે. જેના કારણે દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. હાલ અંધાપાથી અસરગ્રસ્ત દર્દીઓને અમદાવાદ સિવિલ ખસેડાયા છે. 2 ફેબ્રુઆરીએ દર્દીઓએ આંખની સારવાર કરાવી હતી. દર્દીઓના મોતિયાના ઓપરેશન બાદ આ ઘટના બની હતી.આંખમાં અંધાપાની શરૂઆત થતાં દોડધામ મચી જવા પામી છે.
2 મહિલા અને 3 પુરૂષને આંખમાં ચેપ લાગ્યો
રાધનપુરમાં સર્વોદય હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 2 મહિલા અને 3 પુરૂષને આંખમાં ચેપ લાગ્યો છે. તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ગઈકાલે ગાંધીનગર અને અસારવા આંખની હોસ્પિટલની ટીમ રાધનપુર ખાતે તપાસમાં પણ ગઈ હતી. 2 ફેબ્રુઆરીના રોજ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં 45 વર્ષ અને 65 વર્ષીય રાધનપુરની મહિલાને દ્રષ્ટિમાં ખામી સર્જાઈ છે. સાંતલપુર, રાધનપુર અને કાંકરેજના ત્રણ પુરૂષોને આંખમાં તકલીફ થઈ છે.
આ પણ વાંચોઃબનાસકાંઠા: અયોધ્યા જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેનનું પાલનપુરથી પ્રસ્થાન