અમદાવાદ, 2 ડિસેમ્બર 2023, શહેરમાં જાહેરમાં લૂંટના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં રસ્તે પસાર થતાં એકલદોકલ માણસને લૂંટી લેવાની અનેક ઘટનાઓ બની રહી છે. ત્યારે શહેરમાં નરોડા પાટીયા પાસે બાઈક પર આવેલા બે શખ્સોએ ગેસ એજન્સીના માલિક પાસેથી પાંચ લાખ ભરેલી બેગ ઝૂંટવીને લૂંટ ચલાવી હોવાની ઘટનાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ગેસ એજન્સીના માલિકની પાંચ લાખ ભરેલી બેગ લૂંટાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભગવાનદાસ સિધનાણી નરોડા પાટીયા પાસે જીવનજયોતી ગેસની એજન્સી ધરાવી વેપાર કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેમનો નાનો દીકરો નિમેશ તેમની સાથે ગેસ એજન્સીમાં વેપાર કરે છે. રોજ આવતા વકરાના પૈસા બેંકમાં તથા અન્ય જગ્યાએ આપ્યા બાદ વધેલ પૈસા રોજ રાત્રે ઓફિસ બંધ કરીને ઘરે લઈ જાય છે. ગઈકાલે સવારે દસેક વાગ્યાના સુમારે ભગવાનદાસને ગેસની ગાડી પ્લાન્ટમાં મોકલવાની હોવાથી તેઓ પોતાના ઘરેથી ચાર લાખ રૂપિયા લઈને આવ્યા હતાં. બપોરના સમયે તેઓ આ પૈસા એક કાળી બેગમાં ઓફિસમાં મુકીને જમવા માટે ઘરે ગયા હતાં. તેઓ સાંજે પરત આવીને ગેસના કલેક્શનના 1. 15 લાખ તથા ચાર લાખ રૂપિયા કાળી બેગમાં ભરીને ઘરે જતાં હતાં.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ
તેઓ પોતાનું એક્ટિવા ચાલુ કરવા જતાં હતાં અને બાઈક પર આવેલા બે શખ્સોએ તેમની પાસેથી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતાં. તેમની લેપટોપ બેગમાં ડેલ કંપન સિલ્વર કલરનુ લેપટોપ તથા છ થી સાત અલગ અલગ કપનીની પેનડ્રાઈવ તથા બારથી પદર બેંકના તમામ ગ્રાહકોના એ.ટી.એમ કાર્ડ હતા તે ઉપરાંત 5.15 લાખ રોકડા રૂપિયા હતા. તેમણે પોલીસ કંટ્રોલમા ફોન કરતા પોલીસ આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ ખેડા સિરપકાંડનો રેલો બિલોદરાથી વડોદરા પહોંચ્યો, પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરાયો