ગુજરાતમાં 5 દિવસ ‘ભારે’, સૌરાષ્ટ્ર-કચ્છમાં મુશળધારની આગાહી
ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ બરાબરનો જામ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
- 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
- સૌરાષ્ટ્ર, કચ્છમાં ધોધમાર પડવાની આગાહી
- માછીમારોને દરિયામાં ન જવાની સૂચના
7 જુલાઈએ આ જિલ્લાઓમાં ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે 7 જુલાઈએ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.
8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ
આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં યેલો એલર્ટ અપાયું છે. આવતીકાલે કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
#WATCH | Gujarat: "For the next five days in the entire Gujarat, there are chances of rainfall in most places. The entire state will receive rainfall, but there can be heavy to very heavy rainfall in some places. For the next five days, there are chances of heavy to very heavy… pic.twitter.com/SLr86hjSW4
— ANI (@ANI) July 6, 2023
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી છે. આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તો, દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે.
આગામી 5 દિવસ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થશે. આ દરમિયાન અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. 7 અને 8 જુલાઈ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે માછીમારોએ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.