આ 5 જબરદસ્ત યુવા ખેલાડીઓ પર T20 World Cup દરમ્યાન રહેશે નજર
29 મે, અમદાવાદ: ICC T20 World Cup જે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર છે તેની પહેલી મેચ હવે બહુ દૂર નથી. આવામાં ચાલો આપણે જાણીએ એ 5 જબરદસ્ત યુવા ખેલાડીઓ જેમના પર આ વર્લ્ડ કપ દરમ્યાન સતત નજર રહેશે. આ તમામ ખેલાડીઓએ આ વર્ષ અથવાતો એક વર્ષના સમયમાં પોતાના દેશ અથવાતો ફ્રેન્ચાઈઝી માટે T20 ટુર્નામેન્ટમાં અદ્ભુત પ્રદર્શન દેખાડ્યું છે.
તો ચાલો આપણે એક પછી એક જાણીએ કે એ 5 જબરદસ્ત યુવા ખેલાડીઓ કયા કયા છે અને કેમ તેમના પર આ સમગ્ર વર્લ્ડ કપ દરમ્યાન લોકોની નજર રહેશે.
શિવમ દુબે (ભારત): ભારતનો આ યુવા ખેલાડી કાયમ યુવરાજ સિંઘની યાદ અપાવી દે છે. બંને એક સરખી સ્ટાઈલથી બેટિંગ કરે છે અને બંનેનો સ્વભાવ આક્રમક છે. સ્પિનર્સ સામે શિવમ દુબે સહુથી વધુ ઘાતક સાબિત થાય છે. હા, બાઉન્સર તેને તકલીફ જરૂર આપે છે પરંતુ સમય જતાં તે તેના પર પણ કાબુ જરૂર મેળવી લેશે. શિવમ દુબેની અદ્ભુત સિક્સરો પર આ વર્લ્ડ કપ પર તમામની નજર રહેશે.
ટ્રિસ્ટન સ્ટ્બ્ઝ (સાઉથ આફ્રિકા): સાઉથ આફ્રિકાનો આ બેટ્સમેન પણ ધમાકેદાર બેટિંગ કરે છે. તે પોતાના જ પુરોગામી એબી ડી’ વિલીયર્સની યાદ અપાવતી બેટિંગ કરે છે. અન્ય બેટ્સમેનો અને સ્ટ્બ્ઝમાં ફરક એટલો છે કે જો આ બેટ્સમેન પીચ ઉપર ટકી ગયો તો પછી કોઇપણ બોલિંગ એટેકને તે મેદાનની દરેક બાજુએ ફટકારી શકે છે.
દીપેન્દ્ર સિંઘ એરી (નેપાળ): આ વર્લ્ડ કપમાં નેપાળ તરફથી ભલે કોઈને ખાસ આશા ન હોય પરંતુ દીપેન્દ્ર સિંઘ એરી પાસે ઘણા નેપાળી ક્રિકેટ ફેન્સે આશા જરૂર રાખી શકશે. નેપાળના આ વિસ્ફોટક બેટ્સમેને એક T20Iમાં છ બોલમાં છ સિક્સર મારી હતી. તેણે 9 બોલમાં હાફ સેન્ચુરી મારીને યુવરાજ સિંઘનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો.
વિલ જેક્સ (ઇંગ્લેન્ડ): આ વર્ષે ઇંગ્લેન્ડની બેટિંગ લાઈનઅપ સૌથી ભય પમાડે તેવી છે. આ પાછળના અનેક કારણોમાં એક કારણ વિલ જેક્સ પણ છે. અત્યંત આક્રમકતાથી બેટિંગ કરનારા આ બેટ્સમેનને આપણે IPLમાં જોઈ ચૂક્યા છીએ. તેણે ગુજરાત ટાઈટન્સ સામે અમદાવાદમાં એક ધમાકેદાર ઇનિંગ રમીને તમામના દિલ જીતી લીધા હતા.
શમર જોસેફ (વેસ્ટ ઇન્ડિઝ): આમ તો શમર જોસેફે હજી સુધી ત્રણ T20Is જ રમી છે પરંતુ હાલની ઓસ્ટ્રેલિયાની ટુરમાં પોતાની ફાસ્ટ બોલિંગથી જોસેફે બેટ્સમેનોના મનમાં ભય જરૂર ઉભો કરી દીધો છે. તેની બોલિંગ અચૂક હોય છે જેને કારણે તે વધુ ખતરનાક બની જાય છે.