ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સ્કૂલ બસ પલટી જતાં 5 બાળકોના મૃત્યુ, 15 ગંભીર રીતે ઘાયલ

Text To Speech
  • ડ્રાઈવર દારૂના નશાની હાલતમાં ચલાવી રહ્યો હતો બસ 

મહેન્દ્રગઢ(હરિયાણા), 11 એપ્રિલ: હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ બાળકોના મૃત્યુ થયા છે. જ્યારે અનેક બાળકો ઘાયલ થયા છે. આજે ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસે કાબુ ગુમાવ્યો હતો અને પલટી મારી ગઈ હતી. આ અકસ્માત કનિના દાદરી રોડ પર કનિના નગર પાસે થયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં પાંચ બાળકો માર્યા ગયા છે જ્યારે 25-30 બાળકો ઘાયલ થયા છે. જેમાં 15 બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. બસમાં 30 જેટલા બાળકો સવાર હતા. આ સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂના નશામાં બસ ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

ઘણા ઘરોમાં શોક ફેલાયો 

અકસ્માતમાં ઘાયલ બાળકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા બાળકોના પરિવારજનોના ઘરોમાં શોકનો માહોલ છે. મળતી માહિતી મુજબ, બસ ખૂબ જ સ્પીડમાં હતી. આ અકસ્માતમાં અનેક બાળકોને ગંભીર ઈજાઓ પણ થઈ છે. આવા ભયાનક અકસ્માત બાદ હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

 

ગંભીર રીતે ઘાયલ બાળકોને રોહતક PGIમાં રીફર કરવામાં આવ્યા 

પ્રાપ્ત માહિતી અનુસાર, બસ કનિનાની જી.એલ. પબ્લિક સ્કૂલની હતી. ઉન્હાણી ગામ પાસે નાના બાળકોને લઈ જતી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 15 ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ બાળકોને રોહતક પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઈદ પર સરકારી રજા હોવા છતાં રાજ્યભરમાં ઘણી ખાનગી શાળાઓ ચાલુ છે. જી.એલ. પબ્લિક સ્કૂલમાં પણ આજે રજા નહોતી.

 

બસ ડ્રાઈવરને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો 

ઉલ્લેખનીય છે કે, સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂના નશાની હાલતમાં બસ ચલાવી રહ્યો હતો. પોલીસે આ આરોપી ડ્રાઈવરને કસ્ટડીમાં લઈ મેડિકલ તપાસ માટે મહેન્દ્રગઢ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. હજુ સુધી આ અંગે શાળા પ્રશાસન તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.

આ પણ જુઓ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો-આતંકીઓ વચ્ચે અથડામણ, એક આતંકવાદી ઠાર

Back to top button