દેવભૂમિ દ્વારકામાંથી 5 બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ, 25 હજારમાં કરી હતી ઘૂસણખોરી


દ્વારકા, 17 માર્ચ : દેવભૂમિ દ્વારકામાંથી ગેરકાયદેસર રીતે ઘૂસેલી પાંચ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી લેવામાં આવી છે. જિલ્લા SOGએ દ્વારકામાં આવેલ રૂક્ષ્મણી માતાજીના મંદિર પાસેથી 5 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરી છે. SOGને બાતમી મળી હતી કે મંદિરની પાછળના રોડ પર કેટલીક શંકાસ્પદ મહિલાઓ જોવા મળી છે. આથી પોલીસે ચેકિંગ કરતા રૂબી (ઉ.વ.35), સાદીયા ઉર્ફે શીતલ (ઉ.વ.26), સુમી ઉર્ફે રીયા (ઉ.વ.35), ખાલીદા ઉર્ફે નઝમાબેબી (ઉ.વ.33) અને રૂબી (ઉં.વ.35)ને ઝડપી પાડી હતી.
25 હજાર આપી ભારતમાં ગેરકાયદે ઘુસી
SOGની પુછપરછ કરવામાં આવી હતી જેની તપાસમાં જાણવા મળ્યું કે આ મહિલાઓએ બાંગ્લાદેશના એજન્ટોની મદદથી ભારતમાં પ્રવેશ કર્યો હતો. તેમણે જેશોરથી બાંગા વચ્ચેની નદીનો ઉપયોગ કરી ઘુસણખોરી કરી હતી. દરેક મહિલાએ આ માટે લગભગ 25,000 રૂપિયા ચૂકવ્યા હતા.
એકપણ પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા
SOG પીઆઈ પી.સી.સિંગરખીયાની આગેવાની હેઠળની ટીમે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે તપાસ કરી. આ મહિલાઓ પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા. તેમના મોબાઈલમાંથી બાંગ્લાદેશી જન્મ પ્રમાણપત્ર, નેશનલ આઈડી કાર્ડ અને બાંગ્લાદેશી મોબાઈલ નંબરો મળી આવ્યા.
ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી
ભારતમાં આવ્યા બાદ તેઓ અહીં રહેતા બાંગ્લાદેશી લોકોની મદદથી વિવિધ વિસ્તારોમાં રહેતી હતી. તેઓ છૂટક મજૂરી કરતી અને કેટલીક મહિલાઓ છેલ્લા 7થી 10 વર્ષથી ભારતમાં રહેતી હતી. તેઓ ભારતીય નાગરિકો સાથે લગ્ન કરી ભારતીય નામ ધારણ કરી લેતી હતી. મજૂરીમાંથી મળતી કમાણી પશ્ચિમ બંગાળના એજન્ટને મોકલવામાં આવતી. એજન્ટ પોતાનું કમિશન કાપી બાકીની રકમ બાંગ્લાદેશમાં તેમના પરિવારને મોકલી આપતો હતો. હાલ પોલીસે તમામ મહિલાઓને ડિટેઈન કરી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો :- NEET PG 2025ની તારીખ જાહેર, આ તારીખે લેવાશે પરીક્ષા